ગુજરાતના મહિસાગર જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલી રૂ. 1.97 લાખની કિંમતની દારૂની બોટલો અને પંખાની ચોરી કરવા બદલ એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) સહિત પાંચ પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.
નાયબ પોલીસ અધિક્ષક પી.એસ. વલવીએ જણાવ્યું હતું કે, ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશનના મહિલા લોકઅપમાં દારૂની બોટલો અને પંખા રાખવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું, ‘બાકોર પોલીસે એક વ્યક્તિ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 482 બોટલ અને 75 ટેબલ ફેન જપ્ત કર્યા છે. આરોપી વ્યક્તિ પંખાની પેટીઓ પાછળ છુપાવીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આવી વસ્તુઓ રાખવા માટેનો રૂમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી તેને મહિલા લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે લોકઅપની સફાઈ દરમિયાન આઈએમએફએલની બોટલ અને પંખાના ખાલી કે તૂટેલા બોક્સ મળી આવ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, એએસઆઈ અરવિંદ ખાંટ, હેડ કોન્સ્ટેબલ લલિત પરમાર અને અન્ય ત્રણ પોલીસકર્મીઓની ભારતીય દંડ સંહિતાની કલમ 380 (ચોરી) અને અન્ય સંબંધિત ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
