પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં છેડતીના બે બનાવો સામે આવ્યા છે. જેમાં નરોડામાં શખસે મહિલાનો પીછો કરીને મોબાઇલ નંબર માંગ્યો હતો, પરંતુ મહિલાએ ના આપતા શખસે છેડતી કરી હતી. તેમજ એરપોર્ટ વિસ્તારમાં પુત્રના મિત્રે ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરીને 55 વર્ષીય મહિલાની છેડતી કરીને નાસી ગયો હતો. બંને બનાવોમાં પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શખસ છેડતી કરી ત્યાંથી નાસી ગયો
નરોડામાં 26 વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. ગત 11 સપ્ટેમ્બરે સાંજના સમયે મહિલાની પુત્રીને લઇને નરોડા ગામમાં દવાખાને જઇ રહી હતી. તે સમયે અક્કસિંહ દરબાર નામના શખસે મહિલાનો પીછો કરીને મોબાઇલ નંબર માંગીને છેડતી કરી હતી. આટલું જ નહિ મહિલા રાત્રિના સમયે બહાર ગઇ હતી. ત્યારે પણ શખસે ફરીથી મોબાઇલ નંબર માંગ્યો હતો, પરંતુ મહિલાએ ના પાડતા શખસે છેડતી કરીને ત્યાંથી નાસી ગયો હતો.
મહિલા અને તેના પરિવારજનોને ફટકાર્યા
જે બાદ મહિલાએ તેના પરિવારજનોને આ અંગે વાત કરી હતી. જે બાદ પરિવારજનો અક્કલસિંહના ઘરે જઇને તેની પત્ની અને માતાને આ અંગે વાત કરીને તેને સમજાવો તેમ કહ્યું હતું. તેની અદાવત રાખીને મહિલા પરિવાર સાથે ઘરે પરત જતી હતી ત્યારે અક્કલસિંહની પત્ની, પુત્ર, પુત્રી, બનેવી સહિતના લોકો મહિલાના ઘરે જઇને ઝઘડો કરીને મહિલા અને તેના પરિવારજનોને ફટકાર્યા હતા. આ અંગે મહિલાએ પાંચ લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ
જ્યારે બીજી તરફ એરપોર્ટ વિસ્તારમાં રહેતી 55 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી. જ્યારે સરદારનગરમાં રહેતો યોગેશગીરી ગોસ્વામી મહિલાના પુત્રનો મિત્ર હોવાથી તેના ઘરે આવતો હતો. ગત 13 સપ્ટેમ્બરે પુત્રના મિત્રની દાનત બગડતા તેને ઘરમાં ઘૂસીને દરવાજો બંધ કરીને મહિલાની છેડતી કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે શખસ સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
