
આજે ધોરણ-10નું પરિણામ આવ્યા બાદ અનેક બાબતો ધ્યાન પર આવી રહી છે. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું આજે પરિણામ મળતા મોટાભાગના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સુરતની અંદર પણ વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં પ્રવેશ
સુરતના આશાદીપ ઓફ ગ્રુપ શાળામાં ભણતો ગોંડલીયા દીપે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. પોતાના ઘરની સ્થિતિ સારી ન હોવાને કારણે તેમણે શરૂઆતમાં ધોરણ-1 થી 8 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેનું પરિણામ ખૂબ જ સારું આવ્યું હતું. ત્યારબાદ માતા-પિતા અને દીપે વિચાર્યું કે, હવે તેમણે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવો જોઈએ અને ધોરણ-10ની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં આપવી જોઈએ. દીપે ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવીને પણ ઝળહળતી સફળતા મેળવી છે. દીપે 83% મેળવીને અંગ્રેજી માધ્યમમાંથી સફળતા મેળવી છે.
સગવડ ન હોવાને કારણે અંગ્રેજી માધ્યમમાં ભણાવતા હતા
ઇંગ્લીશ મીડિયમ વિભાગના આચાર્ય અજયભાઈએ જણાવ્યું કે, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે, જેઓ ધોરણ-9 અને ધોરણ-10માં અંગ્રેજી માધ્યમમાં આવી જતા હોય છે. મહદ અંશે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેમની પરિસ્થિતિ સારી ના હોય અથવા તો કેટલીક અગવડ હોવાને કારણે તેઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હોવા છતાં પણ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ કરાવે છે. અમારી પાસે ઘણા એવા વિદ્યાર્થીઓ દર વર્ષે આવે છે કે, જેઓ ગુજરાતી માધ્યમમાં ધોરણ-1 થી 8 સુધી અભ્યાસ કર્યો હોય અને ત્યારબાદ ધોરણ-9 અને 10માં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવીને સફળતા મેળવતા હોય છે. ઘણી વખત માતા-પિતાને એવું હોય છે કે, અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકનું ભવિષ્ય વધારે સારું થતું હશે પરંતુ, ગુજરાતી માધ્યમમાંથી સીધું અંગ્રેજી માધ્યમમાં આવીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી ખૂબ જ અઘરી હોય છે તો પણ કેટલાક વિદ્યાર્થીઓએ અથાગ પરિશ્રમ કરીને સફળતા મેળવી લેતા હોય છે.
