પંડ્યાએ સરકારી બંગલો પણ ખાલી કર્યો:CMOના PRO હિતેષ પંડ્યાનું રાજીનામું લઈ લેવાયું હોવાની ચર્ચા, CM કાર્યાલયના કર્મચારીઓ પર ઓફિસ અવર્સમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ

By Abhishek Raghuvanshi
6 Min Read
CMOના PRO હિતેષ પંડ્યા.

મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાના પુત્રનું નામ કિરણ પટેલના કેસમાં સંડોવાતાં હિતેષ પંડ્યાએ દિલ્હી જાણ કરીને કહ્યું છે કે તેમની સેવાઓ અંગે જે નિર્ણય લેવાય એ તેમને મંજૂર રહેશે. આ તરફ તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું હોવાની ચર્ચા છે. હિતેષ પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જે દિવસે આ વિવાદ આવ્યો ત્યારે જ તેમણે યોગ્ય નિર્ણય કરવા કહી દીધું હતું. મારા રાજીનામાને લઈને હજુ સુધી કોઈ આદેશ નથી. સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હિતેષ પંડ્યાએ તેમને સત્તાવાર રીતે અપાયેલો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હિતેષ પંડ્યા અહીં પરિવાર સાથે રહેતા નથી, તેઓ શેલામાં રહે છે.

ભાજપમાંથી અમિત પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આ‌વી
હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય છે. તેમની નિમણૂક પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. આ વિવાદ બહાર આવતાં ભાજપે અમિતને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી સોશિયલ મીડિયા સેલમાંથી દૂર કર્યા છે.

મહાઠગ કિરણ પટેલના કિસ્સામાં મુખ્યમંત્રી કાર્યાલયના જન સંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર અમિતનું નામ બહાર આવતાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યાલયમાં કામ કરતા તમામ હંગામી કર્મચારીઓને ઓફિસ અ‌વર્સ દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કર્મચારીઓ સરકારે ભરતી કરેલા નથી, પરંતુ હંગામી ધોરણે સેવા પર લેવાયા છે. આ કર્મચારીઓને કચેરીના કામકાજના કલાકો દરમિયાન માત્ર ઇન્ટરકોમનો જ ઉપયોગ કરવાનો રહેશે.

સચિવાલયના ઇન્ટરકોમ સિસ્ટમ પર સર્વેલન્સ વધારી દેવાયું

- Advertisement -

મુખ્યમંત્રી કાર્યાલયનાં સૂત્રો જણાવે છે કે હાલમાં અહીં કામ કરતો દરેક હંગામી કર્મચારી શંકાના દાયરામાં છે. અહીંના કેટલાક લોકોના સંપર્કો કિરણ અથવા અમિત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોવાની શંકાને પગલે આ હુકમ કરાયો છે. હજુ આ પ્રતિબંધ ક્યાં સુધી રહેશે એ નક્કી નથી.

મુખ્યમંત્રીને મળવા આવનારા મુખ્ય સચિવ કક્ષાના અધિકારીથી માંડીને તમામ સચિવ કક્ષાના અધિકારીઓ તથા અન્ય આઇએએસ અધિકારીઓએ પણ પોતાના મોબાઇલ ફોન સીએમઓની બહાર મૂકીને જ આવવાના રહેશે. જોકે તેઓ પોતાની પાસે રહેલો સત્તાવાર મોબાઈલ ફોન કચેરીમાં રાખી શકશે. ઇન્ટરકોમમાં પણ સર્વેલન્સ વધારાયું, સૂત્રો કહે છે કે તમામ કર્મચારીઓને ઇન્ટરકોમ પર જ ઓફિસના કામકાજ હેતુ વાત કરવાની સૂચના છે, કારણ કે તેની કોલ ડિટેઇલ સચવાયેલી રહે છે. આ ઉપરાંત સમગ્ર સચિવાલયના ઇન્ટરકોમ સિસ્ટમ પર પણ હાલ સર્વેલન્સ વધારી દેવાયું છે.

ઘોડાસરના પ્રેસ્ટીજ બંગલોમાં કિરણ પટેલ રહે છે.

કિરણ પટેલે યોજેલી G-20 બેઠક અંગે ખુલાસાની માગણી

વિધાનસભામાં ફરી એકવાર મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ચગ્યો હતો. જી-20ની બેઠક બોલાવનાર મહાઠગ કિરણ પટેલ મામલે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ એવી માગણી કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ કરી હતી. કિરણ પટેલે કેવી રીતે જી-20ના વિષય પર મિટિંગ બોલાવી એનો ખુલાસો સરકાર પાસે ચાવડાએ માગ્યો હતો.

ફાઇવસ્ટાર હોટલમાં જી-20ની બેઠકો બોલાવી હતી

વિધાનસભામાં જી-20ના પ્રમુખપદ અંગે લવાયેલા બિનસરકારી સંકલ્પની ચર્ચામાં કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું હતું કે જી-20નું પ્રમુખપદ ભારત કરી રહ્યું છે અને ગુજરાતમાં પણ એની બેઠકો યોજાઇ રહી છે એ સારી વાત છે, પરંતુ આવી ઇન્ટરનેશનલ સમિટમાં એક કલંકિત ઘટના ઘટી છે. મહાઠગ તરીકે ઓળખાય છે એ કિરણ પટેલ નામની વ્યક્તિએ પણ ફાઇવસ્ટાર હોટલમાં જી-20ની બેઠકો બોલાવી હતી. સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઇએ. જે લોકો આ બેઠકમાં હાજર હતા અને જેમને બોલાવવામાં આવ્યા હતા તેમને પણ સરકારે પૂછવું જોઇએ.

કિરણ સામે રાજ્યમાં પહેલો ગુનો, ટ્રાન્સફર વોરંટથી ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચ કાશ્મીરમાં

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડકિલે જણાવ્યું હતું કે કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ પહેલો જ ગુનો છે. જોકે હાલમાં કિરણ જમ્મુ-કાશ્મીર પોલીસની કસ્ટડીમાં હોવાથી તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. એના માટે 7 દિવસ પહેલાં નોટિસ આપવાની હોવાથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ નોટિસ સાથે જમ્મુ-કાશ્મીર ગઈ છે.

કાશ્મીરમાં સીન સપાટા કરતો કિરણ પટેલ.

કોર્ટમાં દાવો કરી બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો

મહાઠગ કિરણ પટેલ અને પત્ની માલિની વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે, જેમાં કિરણ પટેલ એ માજી મંત્રીના ભાઈ જગદીશ ચાવડાને પોતાની ઓળખાણ વડાપ્રધાનની કચેરીના કલાસ-1 અધિકારી તેમજ ટી -પોસ્ટ કેફેના ભાગીદાર તરીકે આપી હતી. ત્યાર બાદ રૂ.35 લાખમાં રિનોવેશન કરી આપવાના બહાને આપીને શીલજમાં આવેલો તેમનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો રાખ્યો હતો. ત્યાર બાદ એ બંગલા બહાર પોતાની નેમપ્લેટ લગાવીને વાસ્તુ – હવનને પૂજાપાઠ કરીને કોર્ટમાં દાવો કરી બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

કિરણ પટેલે ઘોડાસરનો બંગલો પચાવી પાડ્યો, આજે ફરિયાદ થશે

ઠગ કિરણ પટેલ અને તેની પત્ની હાલ જે પ્રેસ્ટીજ બંગલોમાં રહે છે એ ભાડાંનું મકાન છે. મકાનના મૂળ માલિક વનારામ ચૌધરીને કિરણ પટેલનાં કરતૂત જાણવા મળતાં મુંબઈથી અમદાવાદ આવી પહોંચ્યા છે અને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે કિરણ પટેલ ઘોડાસરના પ્રેસ્ટીજ બંગલોમાં રહે છે એ તેમનો છે. કિરણ છેલ્લાં પાંચ વર્ષથી એ ઘરમાં રહે છે અને ભાડું પણ ચૂકવતો નથી. અગાઉ જ્યારે ભાડાં અને મકાન ખાલી કરવા માટે કહ્યું ત્યારે તેણે રાજકીય વગના નામે તેમને ધમકીઓ આપી હતી. આ અંગે વનારામ શુક્રવારે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવશે એમ તેમણે જણાવ્યું હતું.

ધરપકડ ટાળવા કાશ્મીર કોર્ટમાં રક્ષણ માગ્યું

​​​​​​​લોકોને ઠગનારો કિરણ ચાલાક પણ નીકળ્યો. તેને શંકા હતી કે કાશ્મીરમાં કાર્યવાહી પછી ગુજરાતમાં પણ તેનાં કારસ્તાનો હવે બહાર આવશે. લોકો તેની હકીકત જાણ્યા પછી ફરિયાદ નોંધાવશે, જેમાં જગદીશ ચાવડા પહેલા ફરિયાદી હશે એવી શંકાથી જ તેણે ફરિયાદ થાય તો પોલીસ તરત ધરપકડ ન કરે એવું કોર્ટ પાસેથી રક્ષણ માગ્યું હતું. કોર્ટે ફરિયાદ થયાના સાત દિવસ સુધીની રાહત આપી હતી. જેથી આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ સાથે કાશ્મીર પહોંચી હતી. સપ્તાહ પછી તેની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ થશે.

Exit mobile version