નોટિસ મળતા યુવકના હોંશ ઉડી ગયા:ફૂટપાથ પર અત્તર વેચનારને ITની 28 કરોડની નોટિસ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • પાકિસ્તાન-અફગાનિસ્તાન એક્સપોર્ટ કરાયું, ડોક્યુમેન્ટના દુરુપયોગના આક્ષેપ
  • જવાબ સંતાષકારક નહીં મળે તો એસેસમેન્ટ બાદ ડિમાન્ડ નિકળે તે ભરી દેવી પડશે: સીએ

જાહેર રસ્તા પર લારી મૂકીને અત્તર વેચી માંડ માંડ પોતાના પરિવારનું ભરપોષણ કરનારા ચોકબજારના એક રહેવાસીને આકવવેરા વિભાગે રૂપિયા 28 કરોડના ટ્રાન્ઝેક્શનની નોટિસ ફટકારી દીધી છે. નોટિસ મળતાની સાથે જ પગપાળા ફરી-ફરીને વેપાર કરનાર આ યુવકના હોંશ ઉડી ગયા છે. જો કે, આ અંગે તેણે તરત જ વકીલનો સંપર્ક કરીને પોતે આવા કોઈ ટ્રાન્ઝેકશન કર્યા ન હોવાનું રટણ કર્યું હતું.હવે સમગ્ર મામલો પોલીસ સધી પહોંચે એવી સંભાવના છે. બીજી તરફ આઇટીની નોટિસનો શું જવાબ આપવો એ મામલે આ નાનો વેપારી સાવ અજાણ છે.

પગપાળા ફરી-ફરીને વેપાર કરનારને 28 કરોડના ટ્રાન્ઝેક્શનની નોટિસ ફટકારી
આ ઘટના અંગે સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે મામલો જે કંઈ પણ હોય પરંતુ આઇટી તો એ જોશે કે રિટર્ન ભરાયું છે કે કેમ? જો નહીં ભરાયું હોય તો આ વેપારીએ રિટર્ન ભરવું પડશે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો આખો મામલો એસેસમેન્ટમાં જશે અને ત્યાં જે ડિમાન્ડ આવે તે રકમ ભરી દેવી પડશે. દરમિયાન આઇટીએ નોટિસમાં કયા-કયા દેશમાં કયા વર્ષ દરમિયાન કેટલું એક્સપોર્ટ કરાયું તેની પણ વિગતો સામેલ કરી છે, જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીન બતાવવામાં આવ્યું છે.

મોભીઓની મોડસ ઓપરેન્ડી: નાનાના નામે મોટા ખેલ
જીએસટી બોગસ બિલિંગ હોય કે એક્સપોર્ટ કાંડ હોય. મોટાભાગે માલેતુજારા કે અડાજણ પાટિયા ખાતે રહેતા અને વ્હાઇટ કોલર થઈને ફરતા કેટલાંક મોભીઓએ આવા નાના લોકોના ડોકુયમેન્ટનો દુરુપયોગ કરીને રિફંડ અને આઇટીસી મેળવી છે. કેટલાંક કિસ્સામાં નાના લોકોને મહિને ફિક્સ રકમની લાલચ પણ અપાય છે. તેમણે માત્ર આધારકાર્ડ, પાનકાર્ડની વિગતો આપવાની હોય છે. બેન્ક ખાતું પણ કૌભાંડી ખોલાવી આપે છે પરંતુ ઓપરેટ તેઓ જ કરે છે. બાદમાં કોઈ પણ એક વર્ષમાં જંગી એક્સપોર્ટ કરીને એ નંબર બંધ કરી દેવાય છે. ત્યાર પછી નવો માણસ શોધી લે છે.

કસ્ટમમાંથી માહિતી મળી
CBDTની RMS મેનેજમેન્ટ સ્ટ્રેટેજી મારફત જાણકારી મળી કે ચોરબજારના વ્યક્તિએ વર્ષ 2018-19માં 28.59 કરોડનું એક્સપોર્ટ કર્યું હતું. પરંતુ કોઈ ટ્રાન્ઝેકશનની વિગતો આઇટીને આપી ન હતી. આથી તેને આઇટી એક્ટ 148 (એ) હેઠળની નોટિસ પાઠવાઈ હતી. અગાઉ આ કલમ હેઠળ સીધો કેસ રિઓપન થતો હતો. પરંતુ સુધારા બાદ નોટિસ આપી જવાબ મંગાવાય છે.

- Advertisement -

ડોક્યુમેન્ટ લેનારી તપાસ કરાશે
એડવોકેટ નદીમ ચૌધરી કહે છે કે આ કેસમાં મોટો ફ્રોડ થયો હોય શકે છે. જેને નોટિસ મળી છે એ નાનું કામ કરીને માંડ ગુજરાન ચલાવે છે. એના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હશે. કોણે-કોણે ડોક્યુમેન્ટ લીધા અને બાદમાં શું થયું એ બધી વિગતો મળ્યા બાદ કાર્યવાહી કરીશું.

Exit mobile version