નવી સિવિલમાં MRI મશીન ન હોવાથી રેડિયોલોજીની 7 બેઠક રદ થવાનું જોખમ

By Abhishek Raghuvanshi
2 Min Read
  • NMCના ઇન્સ્પેક્શનમાં જણાયું કે MRIને લગતી કામગીરી આઉટસોર્સથી થાય છે
  • 1 મહિનાનું અલ્ટિમેટમ, હોસ્પિટલે મશીન ખરીદીને કાઉન્સિલને જાણ કરવાની રહેશે

નવી સિવિલની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રેડિયોલોજીની 7 સીટમાં વધારો કરી 14 સીટ કરવા ડિમાન્ડ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે, હાલની7 સીટ જ જોખમમાં મુકાઈ ગઈ છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)ના ઈન્સપેક્શનમાં હોસ્પિટલનું સ્વતંત્ર MRI મશીન ન હોવાનું સામે આવતા NMCએ કોલેજને નોટિસ આપી 1 મહિનામાં મશીન વસાવી, લેખીતમાં જાણ કરવા સૂચના આપી છે. જો સમયસર મશીન વસાવવામાં નહીં આવે તો 7 સીટ રદ કરવા ચીમકી આપી છે.

સિવિલમાં એક મહિનો પહેલાં NMCએ ઈન્સ્પેક્શન કર્યું હતું, જેમાં રેડિયોલોજી વિભાગ પાસે પોતાનું MRI મશીન ન હોવાનું તેમજ આ કામગીરી આઉટસોર્સથી PPP ધોરણે કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી કાઉન્સિલે કોલેજને લેખીતમાં અલ્ટિમેટમ આપ્યું છે. આ બાબતે હોસ્પિટલ તંત્રએ ગાંધીનગર લેખીતમાં જાણ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે અગાઉ આવી જોગવાઈ ન હતી.

MRI ‘છાયડા’માં કરાતાં વિદ્યાર્થી શીખી શકતા નથી
સિવિલ હોસ્પિટલ દ્વારા કેમ્પસમાં જ કાર્યરત છાયડો સંસ્થા સંચાલિત એમઆરઆઈ સેન્ટર સાથે એમઓયું કરવામાં આવ્યા છે. સિવિલમાં દાખલ થતા દર્દીને એમઆરઆઈ કરવાની જરૂર જણાય તો છાયડોમાં કામગીરી કરાવવામાં આવે છે. એમઓયુના કારણે દર્દીનું એમઆરઆઈ તો થઈ જાય છે પણ રેડિયોલોજીના વિદ્યાર્થીઓને એમઆરઆઈ મશીન પર કામ કરવાનું શીખવા મળતું નથી, જે બાબતે કાઉન્સિલને વાંધો હતો.

સીટમાં વધારો કરી 14 કરવા ડિમાન્ડ કરવાના હતા
ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં હાલ રેડિયોલોજીની હાલની 7 સીટમાં વધારો કરીને 14 કરવાની ડિમાન્ડ કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જોકે, તે પહેલાં જ એમઆરઆઈ મશીનના અભાવે હાલની 7 સીટ જ જોખમમાં મુકાઈ ગઈ છે.

- Advertisement -
Exit mobile version