
આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું રિઝલ્ટ 71.15 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરિક્ષાનું ઝડપથી પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં સૌથી વધુ A1માં 16 અને A2માં 336 સ્ટુડન્ટ્સને સફળતા મળી છે.
B1 અને B2માં પણ સૌથી વધુ વિદ્યાર્થી
ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 71.15 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 16 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 336 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 1089 અને B2માં 1914 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે.
સેન્ટર પ્રમાણે પરિણામ
સુરત સેન્ટરનું 73.14 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે બારડોલીનું 61.61, કામરેજનું 70.35, વરાછાનું 82.44, કીમનું 51.78, રાંદેરનું 75.01, નાનપુરાનું 72.17, ઉધનાનું 55.29, માંડવીનું 38.64 અને વાંકલનું 57.74 ટકા પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી અપાશે
આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ આપવામાં આવશે. આ વર્ષે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી ખૂબ જ ટુંકા ગાળામાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 14,000થી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને પરિણામ આવવાની રાહ જોઇ રહ્યા હતા. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. હાલ ફક્ત પરિણામ જ જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી મોકલવામાં આવશે.
ગત વર્ષ કરતાં ઓછું પરિણામ
2022માં સુરતનું ગુજરાત બોર્ડનું પરિણામ 77.53 ટકા આવ્યું હતું. જ્યારે આ વર્ષે 71.15 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતા 6.38 ટકા ઓછું આવ્યું છે. આ સાથે A1 અને A 2 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
