અમરેલી જિલ્લામાં સિંહની લટાર હવે સામાન્ય બની ગઈ છે. જંગલ છોડીને વનરાજ હવે ગામડાની ગલીઓમાં આંટાફેરા મારતા હોવાના અનેક વખત વીડિયો સામે આવ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં એક સિંહ દરિયાકિનારે આંટો મારે છે, જ્યારે બીજા વીડિયોમાં સિંહણ સહિત પાંચ સિંહબાળનું ટોળુ મધરાતે ગામમાં લટાર મારતું જોવા મળે છે.
સિંહોના પેટ્રોલિંગના વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાઇરલ
દેશની શાન ગણાતા ડાલામથાં વર્ષો પહેલાં જંગલોમાં વસવાટ કરતાં હતાં, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સિંહોએ પોતાની જીવનશેલી અમરેલીમાં બદલી હોય એવું લાગી રહ્યું છે, છેલ્લી ગણતરી પ્રમાણે અમરેલીમાં સિંહોની સંખ્યા પણ વધી છે. ત્યારે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે દરિયાની ખાડી વિસ્તારમાં સિંહો દિવસે ખુલ્લેઆમ લટારો મારતા જોવા મળે છે. અહીં સિંહોને શિકાર નિયમિત નહિ મળતો હોવાને કારણે આમથી તેમ ભટકી રહ્યા છે. દિવસ દરમિયાન સિંહો મોટા ભાગે દરિયા કાંઠાનાં ગામડાંમાં ફરતા જોવા મળે છે અને રાત્રે ગામડામાં એકસાથે ગ્રુપના ટોળાના સ્વરૂપમાં સિંહ-સિંહણ સિંહબાળ સાથે પરિવાર જાણે પેટ્રોલિંગ કરતો હોય એવાં દૃશ્યો સામે આવતાં હોય છે. સ્થાનિક લોકો આ દૃશ્યો મોબાઈલમાં કેદ કરતા હોય છે, જેના કારણે વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે.
કોવાયાના બે વીડિયો સામે આવ્યા
અમરેલીમાં બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલી ખાનગી કંપનીની જેટી વિસ્તારમાં ડાલામથો સાવજ ભૂખ્યો શિકારની શોધમાં લટાર મારી રહ્યો છે. જ્યારે બીજો વીડિયો પણ કોવાયા ગામનો છે, જ્યાં મધરાતે ગામની બજારોમાં 5 જેટલા સિંહોનું ગ્રુપ પસાર થાય છે.
