અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા કસ્ટમ ડ્યૂટી ફ્રી ઝોનમાં દારૂ વેચવા પર નશાબંધી અને આબકારી વિભાગે પ્રતિબંધ મૂક્યો હતો. જેની સામે કસ્ટમ શોપના માલિકે હાઇકોર્ટમાં અરજી કરીને પ્રતિબંધ હટાવવા દાદ માગી હતી. હાઇકોર્ટે નશાબંધી અને આબકારી વિભાગે મૂકેલા પ્રતિબંધ પર સ્ટે મૂકી દેવાતા હવેથી કસ્ટમ ડ્યૂટી ફ્રી ઝોનમાં દારૂ વેચી શકાશે. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે કસ્ટમના અધિકાર વિસ્તારમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં.
મુંબઇ સ્થિત ટ્રાવેલ રિટેલરે સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર કસ્ટમ એક્ટ 58-એ હેઠળ ડ્યૂટી ફ્રી શોપ ખોલવા લાઇસન્સ મેળવ્યું હતું. તમામ ઔપચારિક કાયદેસરતાનું પાલન કરીને દારૂ વેચવાની મંજૂરી મેળવી હતી પરતું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવ્યું નહોતું. પરિણામે 31 ઓગસ્ટે લીકર સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યો હતો. નશાબંધી વિભાગે દારૂબંધીના કાયદા અનુસાર આ શોપ પર દારૂ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. શોપ ઓનર્સે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે પ્રોહિબિશન એક્ટની કલમ 147 હેઠળ જે દુકાન કસ્ટમના અધિકારક્ષેત્રમાં આવતી હોય તે વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ લાગુ પડતો નથી. આ નિર્ણસ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.
માત્ર એનઆરઆઇ છ લિટર બોટલ ખરીદી શકશે, ડોમેસ્ટિક પેસેન્જર નહીં
એનઆરઆઈ પેસેન્જર એરપોર્ટની ડ્યૂટી ફ્રી શોપમાંથી છ લિટર લિકરે બોટલ ખરીદી શકશે અને તેઓ એરપોર્ટની બહાર પણ લઈ જઈ શકશે. પરંતુ ડોમેસ્ટિક પેસેન્જર નહીં લઈ શકે. જ્યારે અન્ય કોઈ મુસાફર વિદેશમાં વિઝિટર વિઝા પર ટુર કે કોઈ કામકાજ અર્થે ગયો હોય તો તેઓ જે તે દેશના એરપોર્ટના ડ્યૂટી ફ્રી શોપમાંથી બે લિટર લિકર લાવવાની મંજૂરી છે પરંતુ તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ડ્યૂટી ફ્રી શોપમાંથી લિકર ખરીદી શકશે નહીં. પરંતુ પેસેન્જર કોઈ દેશમાંથી ત્યાંથી ત્રણ લિટર લિકર લાવશે તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા લિકરની કિંમત પર 110 ટકા ડ્યૂટી વસૂલવામાં આવશે. નિયમ મુજબ બે લિટર લિકર લઈને વિઝિટર વિઝા પર આવતા પેસેન્જરોને અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સની પ્રીમાઇસિસમાં અટકાવી શકાય નહીં.
લાઇસન્સ છતાં નશાબંધી વિભાગે કાર્યવાહી કરી હતી
ગયા વર્ષે મુંબઇ ટ્રાવેલ રિટેલ દ્વારા કસ્ટમ એકટની કલમ 58-એ હેઠળ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી સ્ટોર શરૂ કરવા લાઇસન્સ મેળવ્યું હતું. લાઇસન્સ મેળવ્યા બાદ શોપ પર ડ્યૂટી ફ્રી દારૂ વેચવાની શરૂઆત થઇ હતી. સપ્ટેમ્બર-2022માં તેમણે નશાબંધી વિભાગ પાસેથી લાઇસન્સ મેળવ્યું હોવાની જાણ કરી હતી. 11 મહિના બાદ નશાબંધી વિભાગે મીટિંગ બોલાવી હતી. જેમાં એવું કારણ આપ્યું હતું કે દુકાને એનઓસી નહીં મેળવી હોવાથી તે દારૂ વેચી શકશે નહીં. નશાબંધીએ મૂકેલા પ્રતિબંધ સામે કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
