- ડાયાબિટીસ, માનસિક રોગની દવાઓ 6 મહિના સુધી આવતી જ નથી
- દવાઓનો જથ્થો પૂરો પાડવા ફાર્માસિસ્ટ મંડળે સરકાર સમક્ષ રજૂઆત કરી
સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે જતાં દર્દીઓને ફ્રીમાં મળતી દવાઓની અછત સર્જાઈ છે. રોજના 25 હજાર દર્દીઓ જુદી જુદી દવા લેવા માટે સરકારી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાં જાય છે પરંતુ ડાયાબિટીસ, માનસિક રોગની દવા તેમજ અમુક પ્રકારના ઈન્જેક્શન મળતા નથી. આ અમુક દવાનો જથ્થો 6 માસ સુધી આવતો ન હોવાથી ફાર્માસિસ્ટ મંડળે આ અંગે સરકારને રજૂઆત કરી છે.
મંડળના જણાવ્યા અનુસાર, દવાના ટેસ્ટિંગમાં 3 મહિના જેટલો સમય લાગતો હોવાથી દવાની 40 ટકાની ઘટ પડે છે. જેથી દર્દીને પુરતી દવા મળી શકતી નથી અને ફાર્માસિસ્ટ વચ્ચે ખટરાગના બનાવો બને છે. ફાર્માસિસ્ટ મંડળના મહામંત્રી ચિરાગ સોલંકીએ કહ્યું કે, સરકાર દ્વારા ખરીદાતી આ દવા 11 ડેપોમાં મોકલાય છે. જેનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાય છે. જેમાં લાંબો સમય લાગતો હોવાથી દર્દીને પાંચમાંથી ત્રણ દવા મળતી નથી.
સર્જિકલ આઈટમ, ગ્લોવ્ઝ પણ મળતાં નથી
ડાયાબિટીસ, માનસિક રોગની દવા, સર્જીકલ આઇટમ, રબ્બર ગ્લોવ્ઝ, આઇ વી ફ્લુઇડ, સ્યુચર, હેમોફેલિયાના વિવિધ ફેક્ટર, ઇન્જેક્શનો, તથા લેબોરેટરીની આઈટમનો જથ્થો નિયમિત અને પૂરતા પ્રમાણમાં સપ્લાય ન થતાં વાર્ષિક ઇન્ડેન્ટમાં 40 ટકા દવાનો પુરવઠો સપ્લાય થતો નથી.
