ઠગાઈ:સેલવાસના વેપારીના 1.39 કરોડના કાફ્રટ પેપર ખરીદી નાણાં હડપ કર્યાં

By Abhishek Raghuvanshi
2 Min Read
  • અંકલેશ્વર અને સેલવાસની ફેક્ટરી પર પેપર મોક્લ્યા હતા

સેલવાસના વેપારીએ 1.39 કરોડનો કાફ્રટ પેપરનો માલ લઈ પાંડેસરાના વેપારીના નાણાં ચાંઉ કરી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પાંડેસરા પોલીસે સેલવાસના વેપારી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આગામી દિવસમાં પોલીસની ટીમ આરોપીને પકડવા માટે મુંબઈ જશે. મૂળ બિહારના અને ભટાર રોડ પર આશીર્વાદ પેલેસમાં રહેતા અંશુકુમાર સુનિલકુમાર અગ્રવાલની પાંડેસરા જીઆઇડીસીમાં ગીતા ડ્રાઇંગની પાસે ક્રાફટ પેપરની ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ પાંડેસરાના વેપારી પાસેથી શરૂઆતમાં સેલવાસના વેપારી સંજીવ અગ્રવાલે ક્રાફટ પેપરનો માલ ક્રેડિટ પર લીધો હતો.

વેપારીનો વિશ્વાસ જીતવા શરૂઆતમાં સેલવાસના વેપારીએ પેમેન્ટ સમયસર ચુકવી દેતો હતો. આથી પાંડેસરાના વેપારીએ સેલવાસના વેપારી પર વિશ્વાસ મુકી એક વર્ષમાં 7મી માર્ચ-21થી 24મી મે-22 સુધીમાં 1.39 કરોડનો ક્રાફટ પેપરનો માલ અંકલેશ્વર અને સેલવાસની ફેક્ટરી પર મોક્લ્યો હતો. જેમાંથી મોટેભાગનો ક્રાફટ પેપરનો માલ સેલવાસના વેપારીએ અન્ય વેપારીઓને વેચી દીધો હતો.

કરોડોની બાકી નીકળતી રકમ બાબતે પાંડેસરાના વેપારીએ ઉઘરાણી કરતા સેલવાસના વેપારીએ ક્રાફટ પેપરનો માલ ખરાબ નીકળ્યો હોવાનું બહાનું કાઢી રૂપિયા આપવામાં આનાકાની કરતો હતો. વારંવાર ઉઘરાણી કરવા છતાં સેલવાસના લેભાગુ વેપારીએ કરોડોની રકમ ન આપતા આખરે પાંડેસરાના વેપારીએ પોલીસમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

પાંડેસરાના વેપારી સાથે ઠગાઈ કરતા ગુનો
સેલવાસના વેપારીની એક ફેક્ટરી અંકલેશ્વરમાં છે, જે હાલમાં બંધ પડી છે. જ્યારે બીજી ફેક્ટરી સેલવાસ દાદરા નગર હવેલીના નારોલીમાં આવેલી છે. જે હાલમાં ચાલુ છે. લેભાગુ વેપારી સંજીવકુમાર અગ્રવાલની મુંબઈ મલાડ વેસ્ટમાં 11માં માળે સેરીનીટી હાઇટ્સમાં ઓફિસ આવેલી છે. ત્યા સંજીવકુમાર સત્યભુષણ અગ્રવાલ સિયારામ પેકેજીંગ પ્રાઇવેટ લિમિટેડ નામથી ધંધો કરતો હતો. પાંડેસરાના વેપારી સાથે ઠગાઈ કરતા પોલીસે સંજીવકુમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
Exit mobile version