ગાંધીધામ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ડબ્બામાં ચડવા જતી એક યુવતીનો પગ લપસી ગયો હતો. જો કે તેને હેન્ડલ પકડી રાખતા પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી. રેલવે પ્લેટફોર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મહિલા કોન્સ્ટેબલે યુવતીને પ્લેટફોર્મ પર ઘસડાતા જોઈને તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી. ટ્રેનથી તેને દૂર કરી દીધી હતી. RPFની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતીને ટ્રેનમાં સહી-સલામત બેસાડી રવાના કરી હતી.
સીડી ઉતરીને યુવતીએ ટ્રેન તરફ દોટ મૂકી
મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર ગાડી નંબર 16505 બેંગ્લોર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 3 પરથી તેના નિર્ધારિત સમયથી ઉપડી હતી. તે દરમિયાન એક 20થી 25 વર્ષની ઉંમરની યુવતી સીડી પરથી ઉતરી અને સીધી ચાલુ ટ્રેનમાં ચડવા માટે ગઈ હતી, પરંતુ તેનો પગ ડબ્બાના પગથિયા પરથી લપસી ગયો હતો. યુવતીએ ડબ્બામાં ચડવા માટે હેન્ડલ પકડી રાખ્યું હતું, જેથી પોતે પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી. પ્લેટફોર્મ પર RPFની મહિલા કોન્સ્ટેબલ ભૂરીબેન ચૌહાણ પ્લેટફોર્મ પર પોતાની ડ્યુટી પર હાજર હતા. તેઓએ આ યુવતીને પ્લેટફોર્મ પર ઢસડાતાં જોઈ અને તાત્કાલિક દોડ્યા હતા. યુવતીને પકડી ટ્રેનથી દૂર કરી હતી. ગાર્ડ તરફ ઈશારો કરીને ટ્રેનને રોકાવી દીધી હતી.
ગાર્ડ તરફ ઈશારો કરીને ટ્રેનને રોકાવી
ચાલુ ટ્રેનમાં ચડવા જતી યુવતીને નીચે પડેલી જોતા જ તાત્કાલિક RPFના મહિલા પોલીસકર્મીએ તેને બચાવી લીધી હતી અને ત્યારબાદ ટ્રેનને રોકાવી દીધી હતી. યુવતી ને તરત જ ટ્રેનમાં બેસાડવાની મદદ કરી હતી. 20થી 25 વર્ષની આ યુવતી હતી અને તે પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ ટ્રેન ઉપડી જતાં ચાલુ ટ્રેનમાં ચડવા ગઈ હતી અને નીચે પડી જતાં આરપીએફની મહિલા કોન્સ્ટેબલે તેનો જીવ બચાવીને મદદ કરી હતી.
