- કાલુપુર રેલવે સ્ટેશનની ઘટના, ટ્રેન ઊપડી જતાં ટીટીઈ પાછળ દોડ્યા, ગાર્ડને ટ્રેન રોકવા ઈશારો કર્યો
ગાંધીનગરથી ઊપડી મુંબઈ જતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન 26મીએ સોમવારે બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચી હતી. જ્યાં ગણતરીની મિનિટો રોકાયા બાદ ટ્રેન મુંબઈ જવા રવાના થઈ હતી. ટ્રેન ઉપડે તે પહેલાં જ દરવાજા ઓટોમેટિક લોક થઈ ગયા હતા.
જ્યારે ટીટીઈ પ્લેટફોર્મ પર જ રહી ગયા હતા જેથી ટીટીઈ ચાલુ ટ્રેને કોચમાં જવા માટે ટ્રેનની સાથે પ્લેટફોર્મ પર દોડ્યા હતા. પરંતુ દરવાજો નહીં ખુલતાં ટીટીઈ વધુ સ્પીડમાં દોડીને ગાર્ડની કેબિન સુધી પહોંચ્યા હતા અને ટ્રેન ઊભી રાખવા ઈશારો કર્યો હતો. ટીટીઈને જોઈને ગાર્ડે ટ્રેન ધીમી પાડી દરવાજો ખોલ્યો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતાં ટીટીઈનો પગ લપસતાં તેઓ પ્લેટફોર્મ પર જ ઢસડાઈ પડ્યા હતા. જો કે, ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે માત્ર 3 ઈંચ જગ્યા હોવાથી ટીટીઈનો બચાવ થયો હતો. જ્યારે પ્લેટફોર્મ પર હાજર લોકો દોડ્યા હતા અને ટીટીઈને ખેંચી લીધા હતા.
