ચક્રવાતની અસર:સાંજે 78 કિમીની તીવ્ર ઝડપે વાવાઝોડું ફૂંકાયા બાદ અમીછાટણાં, 33થી વધુ વૃક્ષો પડ્યાં, વીજળી ડુલ

By Abhishek Raghuvanshi
2 Min Read
  • બપોર પછી શહેરનું વાતાવરણમાં પલટાયું, આજે માવઠાની આગાહી
  • સતત 5 મિનિટ સુધી તેજ પવનો ફૂંકાતાં ભયનો માહોલ સર્જાયો, અનેક કાચા-પાકા મકાનોના પતરાં ઉડ્યાં
  • મોડી રાત સુધી ફોન કોલનો મારો, ફાયર બ્રિગેડની ટીમ દોડતી રહી

સોમવારે મોડીસાંજે શહેરના વાતાવરણમાં પલટો આવી 78 કિમીની ઝડપે તેજ પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવનોને કારણે અનેક કાચા પાકા મકાનોના પતરાં ઉડી ગયા હતા તો 30થી વધુ ઝાડ જમીન દોસ્ત થયા હતા. ક્યાંય વીજપોલ તૂટી જવાના, બેનર-હોડિંગ્સ પડવાના બનાવો પણ બન્યા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. શહેરના રાંદેર, જહાંગીરપુરા, પાલ, અડાજણ વિસ્તારમાં વાવાઝોડાની અસર વધુ જોવા મળી હતી.

સાંજે 7.15થી 7.20 વાગ્યા વચ્ચે કાળાડિંબાગ વાદળો છવાઇને વીજળીના કડાકા ભડાકા સાથે અમીછાટણાં થયા હતા. જો કે, હવામાન વિભાગે વાવાઝોડાની કોઇ આગાહી કરી ન હતી. સોમવારે મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 36.8 ડિગ્રી નોંધાયું હતું. જેથી બપોરે ગરમી સાથે બફારાની સ્થિતિ હતી. જો કે, વાવાઝોડા બાદ ઠંડક પ્રસરી જતા રાહત મળી હતી. વાવાઝોડા દરમ્યાન મગદલ્લા હવામાન ખાતાની કચેરીએ પવનની ગતિ 66 કિલોમીટર અને એરપોર્ટ ખાતે 78 કિલોમીટર નોંધાઈ હતી. વાવાઝોડા બાદ પણ પવનની ઝડપ રહી હતી. મોડીરાત સુધી 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે શુક્રથી રવિ પણ ઝાપટા પડી શકે છે.

રાંદેર, જહાંગીરપુરા, પાલ, અડાજણમાં વધુ અસર
મોડી સાંજે શહેરમાં ઠેકઠેકાણે ઝાડ પડવાના તેમજ મકાનોના પતરા ઉડવાના બનાવો બન્યા હતા. ખાસ કરીને રાંદેર અને કતારગામ ઝોનમાં બનાવ વધુ હતા. મોડી સાંજે ફાયરબ્રિગેડને 33 જેટલા કોલ મળ્યા હતા. ટીમે ઘટના સ્થળે પહોંચી રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે પવનના કારણે અનેક જગ્યાએ પતરાના શેડના પતરા ઉડવાના બનાવો પણ બન્યા હતા. જોકે મોડે સુધી આ બનાવોમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અડાજણ તથા પાલમાં ઘણા વાહનોને પણ નુકસાન થયું
ડિવીઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું કે, હાલ ડાળીઓ હટાવવાની કામગીરી શરૂ કરી છે, જે મોડી રાત સુધી ચાલે એવી શક્યતા છે. અડાજણ-પાલમાં ઘણા વાહનોને પણ નુકસાન થયું છે.

- Advertisement -
Exit mobile version