​​​​​​​ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળાં:પાણીની ઊંચી ટાંકીના દરવાજા પાસે પાલિકા હવે CCTV લગાવશે, સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી મળેલી લાશ ગુમ યુવતીની જ હોવાની શક્યતા

By Abhishek Raghuvanshi
7 Min Read

સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળવાની ચકચારી ઘટના અને શહેરની 25 વર્ષની યુવતી ગુમ થયાના મામલાની તપાસ પોલીસ એક સાથે ચલાવી રહી છે.જેમાં પોલીસને મળેલા યુવતીના સીસીટીવી ફૂટેજ અને પાણીની ટાંકીમાંથી મળેલા તેણીના દુપટ્ટો પરથી પાણીની પાઇપલાઇનમાંથી મળેલી લાશ આ યુવતીની જ હોવાનો પોલીસની આશંકા મજબૂત બની છે. પરંતુ ખરેખર આ લાશ ગુમ થયેલી યુવતીની છે કે કેમ તેના પુરાવા માટે પોલીસે યુવતીના માતા-પિતાના ડીએનએ સેમ્પલ લઇ ટેસ્ટ માટે અમદાવાદ મોકલ્યા છે. નોંધનીય છે કે યુવતી તેના લગ્નના ચાર દિવસ પહેલા જ ગુમ થઈ હતી.

યુવતીના માતા-પિતાના ડીએનએ સેમ્પલ લીધા
સિદ્ધપુર શહેરમાં પીવાના પાણીની લાઈનમાંથી મળેલ અંગો કોના છે તેની તપાસ માટે પોલીસ દોડધામ કરી રહી છે.જેમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે ફૂટેજ 7મેના રોજ ગુમ થયેલી સિદ્ધપુરની યુવતીના હોવાની શક્યતા છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસને પાણીની ટાંકીથી થોડે દૂરથી મળ્યા છે. સાથે પાણીની ટાંકીમાંથી એક દુપટ્ટો પણ પોલીસને મળ્યો છે. એટલે પાઇપલાઇનમાંથી મળેલી લાશ યુવતીની હોવાની આશંકા મજબૂત થતા પોલીસે ગુમ થયેલી યુવતીના માતા પિતાના બ્લડ સેમ્પલ ડીએનએ માટે મોકલ્યા છે બીજી બાજુ પાઇપલાઇનમાંથી મળેલી લાશ અને તેના અવશેષો ફોરેન્સિક લેબ અમદાવાદ ખાતે પીએમ માટે મોકલ્યા છે. એટલે ડીએનએ રિપોર્ટ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

યુવતી લગ્નના ચાર દિવસ પહેલા જ તે ગુમ થઈ
ગુમ થયેલી યુવતી સિંધી સમાજના પરિવારની હોવાથી સિંધી સમાજના પ્રમુખ અને એડવોકેટ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે યુવતીના 12 મેના રોજ લગ્ન હતા. તેણે પ્રી વેડિંગ પણ કરાવ્યું હતું. લગ્નના ચાર દિવસ પહેલા જ તે ગુમ થઈ છે. 7 મેના રોજ રવિવારે સાંજના 7:30 ના અરસામાં નિત્યક્રમ પ્રમાણે લવીના તેના ઘરેથી મંદિરે ગુરુદ્વારા ગુરુ નાનક ભગવાનના દર્શન કરવા માટે નીકળી હતી. રાત સુધી પરત ન આવતા પોલીસમાં જાણવાજોગ નોંધ કરાવી હતી. પોલીસની જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી હતી તેવામાં પાણીની પાઇપલાઇનમાંથી એક લાશના અંગો મળ્યા. પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને પોલીસે તે ફૂટેજ યુવતીની બહેન સહિત પરિવારના સભ્યોને બતાવ્યા હતા અને મે પણ જોયા છે. જેમાં યુવતી એકલી જ જતી દેખાય છે. યુવતી ઘરેથી નીકળી તેના 18 મિનિટ પછીનો ફૂટેજ છે. તેના મોઢાના ભાગે દુપટ્ટો વીટેલો દેખાય છે.

CCTVમાંં યુવતી એકલી જતી દેખાય

- Advertisement -

તપાસ દરમિયાન પાણીની ઉંચી ટાંકીમાંથી એક દુપટ્ટો મળ્યો
​​​​​​​
પોલીસને તપાસ દરમિયાન પાણીની ઉંચી ટાંકીમાંથી એક દુપટ્ટો મળ્યો છે અને તે દુપટ્ટો યુવતીનો હોવાની તેની બહેનને આશંકા છે. સીસીટીવી ફૂટેજમાં પણ તેવો જ દુપટ્ટો દેખાય છે. પોલીસને જે દુપટ્ટો ટાંકીમાંથી મળ્યો છે તેવો જ દુપટ્ટો તેના ઘરે પણ છે. કારણ કે તે બંને બહેનો એક જેવી જ વસ્તુ લાવતી હતી. પોલીસ સ્ટેશનમાં બંને દુપટ્ટો ભેગા કરી મેચ કરતાં બંને એક જેવા જ હતા. આ સિવાય પાણીની પાઇપલાઇનમાંથી જ્યારે લાશ મળી ત્યારે તેની સાથે એક બંગડી મળી હતી તે બંગડી વળી ગયેલી હોવાથી તેની બહેન તે બંગડી ઓળખી શકી ન હતી પરંતુ તેના ઘરે પડેલી બંગડી અને લાશની સાથે મળેલી બંગડીને મેચ કરતા બંને એક જેવી જ છે. આ ઉપરાંત પાઇપમાંથી પગનો અવશેષ મળ્યો તે વખતે લેર્ગીસ પણ સાથે મળી હતી તે લેર્ગીસ સફેદ રંગની હતી પરંતુ તેના પર વાદળી ડાઘ પડેલા હોવાથી તેની બહેન લેર્ગીસને ઓળખી શકી ન હતી.

સાંયોગિક પુરાવા મળ્યા પણ રિપોર્ટ મેચ થયા બાદ જ સ્પષ્ટ કહીં શકાય: LCB
એલસીબી પીઆઇ આર.કે અમીને જણાવ્યું કે પાઇપલાઇનમાંથી મળેલી લાશ અંગે અજાણી યુવતીનું અકસ્માત મોત દાખલ કરી તપાસ ચાલી રહી છે.ટાંકામાંથી દુપટ્ટો મળ્યો છે અને તે ગુમ થયેલી યુવતીનો છે તેવી તેની બહેને ઓળખ કરી છે. સીસીટીવી ફૂટેજમાં ગુમ થયેલી યુવતી જતી દેખાય છે. સાંયોગીક પુરાવા મળે છે પરંતુ પીએમ ડીએનએ અને એફએસએલ રિપોર્ટ મેચ ન થાય ત્યાં સુધી પાઇપમાંથી મળેલી લાશ ગુમ થયેલી યુવતીની છે કે કેમ તે કન્ફર્મ નથી.
સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં યુવતીનો ટાંકીથી થોડી દૂરના ફૂટેજ છે : ઇન્ચાર્જ એસપી
ઇન્ચાર્જ એસ.પી વિશાખાડબરાલે જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ ગુરુવારે સાંજે અથવા શુક્રવારે સવારે મળી શકે છે.તેમાં મૃત્યુનું કારણ પણ ખબર પડી જશે. હજુ તપાસ ચાલી રહી છે. હજુ કંઈ અધિકૃત રીતે નક્કી થઈ શક્યું નથી. જે ફૂટેજ મળ્યા છે તેમાં યુવતીનો ટાંકીથી થોડી દૂરનો ફૂટેજ છે. તે ટાંકી બાજુ જ ગઈ છે કહી શકાતું નથી. ફૂટેજ આ ગૂમ થયેલ યુવતીનો જ છે તે પણ કન્ફર્મ નથી.

ત્રણેક વર્ષ બાદ આ ઊંચી ટાંકીની તંત્ર દ્વારા સફાઈ કરી
​​​​​​​સિદ્ધપુર શહેરમાં હરઘુડીયા વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ઉંચી પાણીની ટાંકીનું અત્યાર સુધી જાણે કોઈ રણી ધણી ના હોય તેવી સ્થિતિ છે. હવે સીસીટીવી કેમેરા લગાવવા સુધીની તૈયારીઓ કરી છે. પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળતા પાલિકા તંત્ર દ્વારા અમદાવાદની એજન્સી મારફતે ગુરુવારે આઠ કલાક સુધી ઉંચી ટાંકીની સફાઈ કરવામાં આવી હતી.ઉંચી ટાંકી અને પાઇપલાઇનની સફાઈનો હવે પાલિકા તંત્ર રૂ.50000નો ખર્ચ કરશે.ત્રણેક વર્ષ બાદ આ ઊંચી ટાંકીની તંત્ર દ્વારા સફાઈ કરી છે.

આઠ કલાક સુધી ઉંચી ટાંકીની સફાઈ કરવામાં આવી
સિદ્ધપુર શહેરમાં પીવાના પાણીની બે પાઇપલાઇનમાંથી યુવતીની લાશ અને તેના પગનો અવશેષ મળ્યો હતો.પાણી દૂષિત થયું હોવાથી પાલિકા તંત્ર દ્વારા પાણીની ટાંકી અને પાઇપલાઇનની સફાઈ કરવા માટે અમદાવાદની અલ્ટ્રા ક્લીન એજન્સીને નિયુક્ત કરી છે. આ એજન્સીની 8 માણસોની ટીમ દ્વારા ગુરુવારે સવારે 11:00 ઉંચી ટાંકીમાં સફાઈ કામગીરી શરૂ કરી હતી. જેમાં પ્રથમ સબમર્સીબલ પંપ દ્વારા અંદરથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.ત્યારબાદ કાદવ અને લીલ બહાર કઢાઈ હતી.બાદમાં હાઈજેક પ્રેશર મશીનથી ટાંકામાં ચારે તરફની દીવાલોને હવા અને પાણીનો મારો કરીને સફાઈ કરવામાં આવી હતી. પ્રેસર માર્યા બાદ ગંદું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. પાણીમાં જીવાત ન થાય તે માટે પોટેશિયમ પરમેગેનેટનો છંટકાવ કરાયો હતો.બેક્ટેરિયા મરી જાય તે માટે અલ્ટ્રા વાયોલેટ ટ્યુબલાઈટ લટકાવવામાં આવી હતી તેવું એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું.

ટાંકાના દરવાજાની ઉપરના ભાગે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે
આ અંગે સિદ્ધપુર ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ઊંચી ટાંકી અને પાઇપલાઇનની સફાઈ પાછળ અંદાજે 50000નો ખર્ચ થશે. સવારે 11:00થી સાંજે 7:00 સુધી ટાંકીની સફાઈ કરાઈ હતી.શુક્રવારે પાઇપલાઇનની સફાઈ કરાશે. હાલમાં 8 જેટલા ટેન્કરો મારફતે લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.શુક્રવાર સાંજ સુધીમાં પાઇપલાઇન મારફતે લોકોના ઘર સુધી પાણી પહોંચે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. હવે ઉંચી પાણીના ટાંકાની આસપાસ ઝાંડી ઝાખરા દૂર કરી સફાઈ કરાશે. ટાંકાના દરવાજાની ઉપરના ભાગે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.186 ઘરો સુધી ક્લોરીનેશન ડ્રોપ્સ આપવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારના કુલ 1200 ઘરોમાં તેનું વિતરણ કરાશે.

Exit mobile version