ગોધરાકાંડ 2002:નરોડા ગામ હત્યાકાંડમાં આજે સ્પેશિયલ કોર્ટ ચુકાદાની તારીખ જાહેર કરશે, 11 લોકોના મોત થયા હતા

By Abhishek Raghuvanshi
2 Min Read

ગોધરાકાંડ બાદ વર્ષ 2002ના રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ SIT દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ છે. આજે કોર્ટ ચુકાદાની અંતિમ તારીખ જાહેર કરશે. આ રમખાણમાં 11 લોકોના મોત થયા હતા. જેમાં પોલીસે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી
2002 ગોધરાકાંડ બાદ રાજ્યમાં રમખાણો ફાટી નીકળઈ હતી. જેમાં નરોડા ગામમાં કુલ 11 લોકોના હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તબક્કાવાર કરેલી આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને તપાસ સોંપાઈ હતી.

આ કેસમાં કુલ 258 સાક્ષીઓ છે
આ સમગ્ર કેસમાં SITએ વીએચપીના અગ્રણી ડો.જયદીપ પટેલ, ડો.માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસમાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરીને જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કુલ 258 સાક્ષીઓ છે, જે પૈકી જરૂરિયાત મુજબના 187 સાક્ષીઓની તપાસ કોર્ટ સમક્ષ પૂર્ણ થઈ હતી.

આજે ચુકાદાની તારીખ જાહેર થશે
આ પછી સીટનાં સ્પેશિયલ જજ પી.બી દેસાઈની કોર્ટમાં અંતિમ દલીલો ચાલી હતી. વય મર્યાદાને લીધે જજ પી.બી દેસાઈ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ જજ એમ.કે દવે સમક્ષ નવેસરથી દલીલો ચાલુ કરવામાં આવી હતી. જેમની પણ પોણા ત્રણ વર્ષ પહેલાં બદલી થતાં પ્રિન્સિપાલ અને સીટનાં સ્પેશિયલ જજ સુભદા બક્ષી સમક્ષ દલીલો ચાલતી હતી. જે દલીલો 05 એપ્રિલે પૂર્ણ થઈ છે, ત્યારે આ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદાની તારીખ જાહેર કરશે.

- Advertisement -
Exit mobile version