ગુજરાત યુનિ.માં વોન્ટેડના પોસ્ટર:પ્રદીપ પ્રજાપતિની ભાળ આપનારને યોગ્ય વળતર, મહિલા પ્રોફેસરની ખોટી નિમણૂકમાં વિવાદ વકર્યો

By Abhishek Raghuvanshi
3 Min Read

ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદિત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિએ સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર રંજન ગોહિલની નિમણૂક કરી હતી. જે મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતા પ્રદીપ પ્રજાપતિ ફરાર થઈ ગયો છે, જેથી યુનિવર્સિટીમાં પ્રદીપ પ્રજાપતિ વોટેન્ડના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડના પોસ્ટર

‘પ્રજાપતિની ભાળ આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે’
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા યુનિવર્સિટી ટાવરથી લઈને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, પ્રદીપ પ્રજાપતિની ભાળ આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે. પોલીસને સહયોગ કરશો, 100 નંબર પર ફોન કરો અને સૌજન્ય જાગૃત નાગરિક બનો. જોકે આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પ્રદીપ પ્રજાપતિના વિરોધીઓએ જ આ પોસ્ટર લગાવ્યા છે.

સમગ્ર યુનિવર્સિટીમાં પ્રદીપ પ્રજાપતિ વોન્ટેડના પોસ્ટર

તપાસ સમિતિ બનાવીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ​​​​​​
પ્રદીપ પ્રજાપતિએ સમાજકાર્ય વિભાગમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભૂતકાળમાં પ્રોફેસર રંજન ગોહિલની હંગામી ધોરણની ભરતીથી ઇન્ટરવ્યૂ વિના કાયમી ભરતી કરી દીધી હતી. જે મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે ખોટી ભરતી કરવા બદલ પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને હેરાન કરવા, છેડતી મામલે ફરિયાદ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ અને વિવાદિત પ્રોફેસર ડૉ. પ્રદીપ પ્રજાપતિ સામે સત્તાનો ઉપયોગ કરીને ખોટી નિમણૂક કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રદીપ પ્રજાપતિ સામે એક નહીં પરંતુ અનેક ફરિયાદ નોંધાઇ છે. અગાઉ વિદ્યાર્થીઓને હેરાન કરવા, છેડતી, જાતિવિષયક શબ્દો તથા કૌભાંડ કરવા બદલ ફરિયાદ નોંધાઇ જ છે.વિવાદિત પ્રોફેસર શરૂઆતથી જ ગુજરાત યુનિવર્સિટીના વિરોધી રહ્યા છે.

- Advertisement -

જરૂરી પ્રક્રિયા અનુસર્યા વિના જ નિમણૂક કરી
ગુજરાત યુનિવર્સીટીમાં સમાજકાર્ય વિભાગમાં ડૉ. રંજન ગોહિલની હંગામી ધોરણે 40,000 રૂપિયાના પગારમાં ભરતી કરવામાં આવી હતી. વિભાગમાં ડૉ. પ્રદીપ પ્રજાપતિ જે હાલમાં નિવૃત છે, તે 2 એપ્રિલ 2019થી 26 એપ્રિલ 2022 સુધી કો. ઓર્ડીનેટર રહ્યા હતા. ડૉ. રંજન ગોહિલનો કાર્યકાળ પૂરો થતાં તેમને હંગામી ધોરણે ચાલું રાખવા હોય તો જાહેરાત આપીને જરૂરી પ્રક્રિયા અનુસરવી પડે છે. પરંતુ ડૉ. પ્રદીપ પ્રજાપતિએ કોઈ પણ પ્રક્રિયા અનુસર્યા વિના જ રંજન ગોહિલને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ચાલુ રાખ્યા હતા.

Exit mobile version