ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાસ્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ સટ્ટાનો હિસાબ એક શહેરના કુલ બોર્ડના બજેટથી પણ વધારે છે. કોઈ પણ આ સાંભળીને ચોંકી જશે, પણ આ વાત સાચી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગુજરાતના બે મોટા બુકી રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. જેનો હિસાબ પણ મળી ગયો છે. આ મોટા ગજાના શખ્સો દુબઈમાં આલીશાન જિંદગી જીવે છે, વિલામાં રહે છે, સૌથી મોંઘો દારૂ પીવે છે અને તમામ હદ વટાવે છે. ત્યારે હવે બુકીઓ સામે પૈસા ટ્રાન્સફર વિદેશમાં કરાયા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આરોપીઓ સામે loc નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તૈયારીઓ કરી લીધી છે.
મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટથી સટ્ટો રમાય
ક્રિકેટ રમાય એટલે સામાન્ય રીતે કોણ હાર છે અને કોણ જીતશે તેનો સટ્ટો રમાય છે. પણ દરેક બાબતમાં જો સટ્ટો રમાડતા બુકીઓની પણ ગુજરાતમાં કમી નથી. આ શખ્સો અલગ અલગ સર્કિટમાં કામ કરે છે. કદાચ જીતુ થરાદની સર્કિટ હોય અથવા આર. આર.ની સર્કિટ દરેકની સર્કિટમાં જોડાયેલા પંટર અને સટોડીયાઓ સટ્ટો રમવામાં ચૂકતા નથી. હવે આ સટ્ટાનું રૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ ગયું છે. જે પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. તેમાં ખાસ કરીને હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડીયાને ક્રેડિટ આપવામાં આવે છે. અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે.
‘સૌથી મોટા ગજાના બુકી ગુજરાતના’
ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા પર અનેક લોકો દાવ ખેલતા હોય છે. જેમાં સૌથી મોટા બુકી ગુજરાતના હોય છે, જે વિદેશની ધરતી પર પૈસા ટ્રાન્સફર કરાવે છે. જેમાં એક વ્યક્તિનું અથવા કોઈ ડમી નામનું એકાઉન્ટ હોય છે. જે એકાઉન્ટ દુબઈ કે કોઈ અલગ જગ્યાએ હોય છે. જેમાં સટ્ટાનો હિસાબ ટ્રાન્સફર થાય છે. આ રૂપિયા વિદેશમાં ગયા પછી બુકી તે રૂપિયાથી ઐયાસી કરે છે.
‘બુકીઓના એજન્ટ પણ કરોડો કમાય છે’
બુકીઓ વિશે જાણકારી રાખતા પોલીસ અધિકારીઓ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવે છે કે, આ બુકી ડમી એકાઉન્ટ બનાવે છે, જે એપ્લિકેશન સાથે કનેક્ટ હોય છે અને એકાઉન્ટમાં રૂપિયા જમા થાય છે. ગુજરાતમાંથી હવાલા દ્વારા ટ્રાન્જેક્શન થાય છે. રોજના 5થી 7 કરોડ એક લાઇનના હોય છે, જે અલગ અલગ બુકીના હોય છે. હંમેશા બુકીઓ જ પ્રોફિટમાં હોય છે, ક્યારેય કોઈ સ્ટોડીયો કમાયો નથી. આ બુકીઓના રિકવરી એજન્ટ પણ કરોડો કમાય છે અને તે ટપોરી જેવા લોકો હોય છે.
‘જે દેશમાં ક્રિકેટ ભાગ્યે જ રમાતી હોય ત્યાંની મેચ પર પણ સટ્ટો રમાય છે’
આ બાબાતે સિનિયર આઇપીએસ અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, બુકીઓ ક્યાંય પણ પ્રોફિટ કમાવાનું છોડતા નથી. બુકીઓ દ્વારા હોંગ કોંગ અને નેધરલેન્ડની ક્રિકેટ મેચ પર પણ સટ્ટો રમાડાય છે. જેમાં પણ સટ્ટો ઇન્ટરનેશનલ મેચ જેવો જ હોય છે. આમા પણ રીતસર સેસન, રન, હાર-જીત પર સટ્ટો રમાય છે.
બુકીઓની લાઈફ સ્ટાઇલ કેવી હોય છે?
બુકીઓ દુબઈથી સટ્ટાનું નેટવર્ક ચલાવે છે. ખાસ કરીને દુબઈના સૌથી મોટા વિલમાં ભારતીય બુકી રહે છે. ત્યાં ઐયાસીની તમામ વસ્તુ હોય છે. સૌથી મોંઘો દારૂ, સૌથી સુદર યુવતી અને તમામ શોખ પુરા કરે છે. તેમના પાસે આંધળી આવક છે અને તેનું આખું નેટવર્ક ગોઠવેલું હોય છે. થોડા વર્ષો પહેલા એક બુકીને જમીન અપાવવા મદદ કરનાર પોલીસક્રમીને બુકીએ સૌથી મોંઘી કાર ગિફ્ટ કરી હતી.
શું કહે છે પોલીસ?
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને બોબી ઉજાના 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. જેમાં હવાલા અને દુબઈમાં ડમી નામના બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી છે. હવે તેમની સામે loc જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવમાં આવી છે.
