ગરમીથી પ્રાણીઓને રાહત આપવા ખાસ વ્યવસ્થા:અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા, ખોરાકમાં તરબૂચ-શક્કરટેટી પણ અપાશે

By Abhishek Raghuvanshi
2 Min Read

ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાય રહ્યું છે. લોકો હવે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. ઉનાળામાં પ્રાણીઓને પણ ગરમીથી બચાવવા માટે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. જ્યારે નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવી છે, જેથી પ્રાણીઓને ગરમી લાગે નહીં. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે જેના કારણે ઠંડક રહે અને પ્રાણીઓને ગરમીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

પ્રાણીસંગ્રહાલયમાં 25 જેટલા કુલર મુકાયા
આ અંગે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર આર.કે સાહુએ જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે પ્રાણીસંગ્રહાલયમાં કુલ 25 જેટલા કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. દરેક પ્રાણીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચિત્તા, વાઘ, વાઘણ વગેરે પાસે કુલર મૂકવામાં આવ્યા છે. નોકટરેલ ઝુમાં પણ ખાસ જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પાંજરામાં રહેલા પ્રાણીઓને ખોરાકમાં તરબૂચ અને શક્કરટેટી પણ આપવામાં આવે છે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 1500થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ
વધુમાં જણાવ્યું હતું કે, પ્રાણીઓની દરેક હલનચલન પર પણ નજર રાખવામાં આવે છે. તેના ખોરાક પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 45 ડિગ્રી ઉપર તાપમાન જતું રહે ત્યારે લુ ન લાગે તે માટે પાણીની અંદર દવાઓ નાખવામાં આવે છે, જેથી પ્રાણીઓને લૂથી બચાવી શકાય. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 1500થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓની ઠંડક મળે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત માંસાહારી પ્રાણીઓ માટે પણ અલગ ગોગર સિસ્ટમ પણ લગાવવામાં આવશે. આગામી દિવસોમાં પ્રાણીઓને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓ માટે પાણીમાં ORS નાખવામાં આવી રહ્યો છે.

Exit mobile version