સુરત કોર્પોરેશન દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવે છે. પરંતુ આ વિભાગ સતત ભ્રષ્ટાચારની શંકા હેઠળ રહ્યું છે. વર્ષો જૂની ખટારા બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે. દરરોજ અલગ અલગ બસો જુદા જુદા વિસ્તારમાં ખોટકાઈ જવાથી ટ્રાફિક ઊપર અસર થઈ રહી છે.
બસ બંધ થતા ટ્રાફિકની લાંબી કતારો
અમરોલી વિસ્તારમાં આજે સવારે બ્રિજ ઉપર જ બીઆરટીએસ બસ બંધ પડી હતી. બસ ઉભી રહેતાની સાથે જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. ગભરાયેલા મુસાફરો તાત્કાલિક અસરથી બસની બહાર નીખળવાનું શરૂ કરી દીધું હતું. બ્રિજ ઉપર બસ બંધ થતા ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. સદનસીબે બસમાંથી ધુમાડો નીકળ્યો હતો પરંતુ આગ લાગી ન હતી.
બસ દોડે ઓછીને બંધ વધારે થાય
સુરત કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવતી બસો ખખડધજ થઈ ગઈ છે. શહેરમાં દરરોજની અનેક બસો અલગ અલગ માર્ગો પર બંધ થતી દેખાય છે. અતિ વ્યસ્ત એવા રસ્તા ઉપર બસ ખોટકાઈ જવાને કારણે એક બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન વ્યવહારને ખૂબ અસર જોવા મળે છે. આ સમસ્યા રોજની થઈ ગઈ છે. ખાસ કરીને બ્રિજ ઉપર જ્યારે બસ બંધ થાય ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. પરંતુ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. ટ્રાફિક જામની આ સમસ્યાથી લોકોને રાહત ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન છે. સુરતમાં એવી સ્થિતિ છે કે, સિટી બસ અને બીઆરટીએસ બસ દોડે ઓછી અને બંધ વધારે થાય છે.
