- મેટ્રો કોર્ટ નંબર 8 વર્ષ 2017થી બંધ છે
કોર્પોરેશનની બિલ્ડિંગમાં કાર્યરત કોર્ટ નં. 8 છેલ્લા 6 વર્ષથી બંધ હોવા છતાં તેમજ કોર્ટ નં.6માં કોઇ સરકારી કેસ ના હોવા છતાં સરકારી વકીલોની નિમણૂક કરાતા ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશને તાત્કાલિક અસરથી નિમણૂક કરાયેલા સરકારી વકીલોની ખાલી કોર્ટમાં બદલી કરવા માંગ કરી છે.
સરકારી કેસ નથી તેમ છતાં આ બન્ને કોર્ટમાં સરકારી વકીલની નિમણૂક
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું કે, કોર્પોરેશનની બિલ્ડિંગમાં કાર્યરત મેટ્રો કોર્ટ નં.8 2017 થી એટલે કે 6 વર્ષથી બંધ છે. જયારે કોર્ટ નં.6 માં માત્ર જન્મ મરણ પરચુરણ અરજી અંગેની હકુમત હોવાથી ત્યાં કોઇ સરકારી કેસ નથી તેમ છતાં આ બન્ને કોર્ટમાં સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે.
સરકારી વકીલોની ખાલી કોર્ટમાં બદલી કરવા માંગ
અગાઉ કોર્ટ નં.6 અને કોર્ટ નં.8 સરકારી વકીલની નિમણૂક કરાયેલી ત્યારે બાર એસોસિએશને 14 ડિસેમ્બર 2022 ના રોજ પત્ર દ્વારા કાયદા સચિવને જાણ કરી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી કોર્ટ નં.6 અને કોર્ટ નં.8 ના સરકારી વકીલોની કોર્ટ નં.19 તથા 21માં બદલી કરવામાં આવી હતી. તેમ છતાં 18 માર્ચ 2023 ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે તરફથી કોર્ટ નં.6 અને 8 માં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી છે.
