કોન્ટ્રાક્ટનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો:સાપુતારા લેકમાં બોટિંગના ટેન્ડરની ઓપનિંગ પ્રાઇઝ 1.70 કરોડ, અરજદારે 3.17 કરોડની બીડ કરીને મેળવ્યું, બીજી વખત જાહેરાત ઈસ્યુ થઈ

By Abhishek Raghuvanshi
2 Min Read

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા લેકમાં બોટિંગ માટેનો કોન્ટ્રાક્ટનો વિવાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા GEM (ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ) પોર્ટલ પર ટેન્ડર બહાર પડે છે. જે રસ ધરાવતા અરજદારોએ ભરવાનું રહે છે. સાપુતારા લેકમાં બોટિંગ માટે ટેન્ડર પોતે મેળવ્યા બાદ પણ તે જ કોન્ટ્રાક્ટ માટે ઓથોરિટી ફરી ટેન્ડર બહાર પાડી રહી હોવાની ફરિયાદ અરજદારે હાઇકોર્ટમાં કરી છે.

ઓપનિંગ પ્રાઈઝ 1.70 કરોડ હતી
અરજદારના વકીલે હાઇકોર્ટમાં જજ એસ.વી. પીંન્ટોની કોર્ટમાં જણાવ્યું હતું કે, સાપુતારા લેકમાં બોટિંગ ફેસિલિટીનો કોન્ટ્રાક્ટ આપવા લોકલ ઓથોરિટીએ GEM પોર્ટલ પર ટેન્ડર બહાર પાડ્યું હતું. જેની ઓપનિંગ પ્રાઈઝ 1.70 કરોડ હતી. અરજદારે આ ટેન્ડર 3.17 કરોડની બીડ કરીને મેળવ્યું હતું. અરજદારને ઓથોરિટીએ GEM પોર્ટલ પર 2 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ નહીં ભર્યું હોવાનું જણાવ્યું હતું. આથી અરજદારે ઓથોરિટીને પોતે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર હોય તો 2 લાખ ભરવામાં કોઈ વાંધો નથી તેવી રજુઆત કરીને પૈસા ભરી દીધા હતા. તેનો ઓથોરિટીએ સ્વીકાર પણ કર્યો હતો.

અરજદારને ઇન્ટિમેશન પણ મળ્યું હતું
ત્યારબાદ અરજદારને ઇન્ટિમેશન પણ મળ્યું હતું. જો કે, વર્ક ઓર્ડર મળ્યો નહોતો. ઇન્ટિમેશન મળતા અરજદારે બોટ સહિતની વસ્તુઓના ઓર્ડર આપી દીધા. હવે ઓથોરિટીએ ગત 29 મેના રોજ પાંચમી વખત આ કોન્ટ્રાક્ટ માટે હરાજીની જાહેરાત કરી છે. જે 7 જૂનથી 9 જૂન વચ્ચે યોજાશે. ત્યારે અરજદારના ફેવરમાં કોન્ટ્રાક્ટ મળવો જોઈએ તેવી રજુઆત અરજદારના વકીલે હાઇકોર્ટમાં કરી છે.

ચોથી વખતના ઓક્શનમાં આ ટેન્ડર મેળવ્યું
ઉલ્લેખનીય છે કે અરજદારે ચોથી વખતના ઓક્શનમાં આ ટેન્ડર મેળવ્યું હતું. કોર્ટે અરજન્ટ હિયરિંગ ધ્યાને લઈને સોમવારની રિટર્નએબલ નોટિસ આપી છે. આ મુદ્દે ડાંગના જિલ્લા કલેક્ટર, ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે.

- Advertisement -
Exit mobile version