- કિરણ-માલિની પટેલ સામે 31 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ દાખલ
અમદાવાદ | મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલના સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના વેપારીને ફેક્ટરી નાખવા જીપીસીબીનું લાઇસન્સ અપાવવા કિરણ પટેલ અને માલિનીએ રૂ.42.48 લાખ લીધા હતા. પરંતુ એ પછી લાઇસન્સ અપાવ્યું ન હતું. વેપારીએ પૈસા પરત માંગ્યા તો પતિ-પત્નીએ રૂ.11.75 લાખ ચૂકવ્યા હતા, બાકીના રૂ.31.11 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી.
સરકારમાં વગ હોવાનું કહી વેપારીને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી
મોરબીના જોધપુરગામે રહેતા ભરત પટેલ બી.એન.બ્રધર્સ નામથી સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવે છે. તેઓ મોરબીની કેમિકલ ફેક્ટરીમાં પણ ભાગીદાર છે. 2017માં ભરત પટેલ કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તે સમયે કિરણ પટેલે પોતે ક્લાસ 1 ઓફિસર હોવાનું અને સરકારમાં વર્ચસ્વ હોવાની વાત કરી હતી. ભરત પટેલે કેમિકલ કંપની માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી લાઇસન્સ લાવી આપવા વાત કરી હતી. જેથી કિરણ પટેલે ભરત પટેલને સોલા એચસીજી હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યા હતા.
રૂ.31.11 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરી
કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ લાઇસન્સની તમામ પ્રોસિજર તથા ફી મળીને કુલ રૂ.40 થી 45 લાખ માગ્યા હતા. ભરત પટેલે આ પેટે કિરણ અને તેની પત્નીને રોકડા 42.86 લાખ આપ્યા હતા. બાકીના પૈસા બે માસ પછી આપવાનું જણાવ્યું હતું.
સોલા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ
8 મહિના પછી પણ ફેક્ટરી માટે લાઇસન્સ ન આવતા ભરત પટેલે ફોન કર્યો હતો. પરંતુ કોઈએ ઉપાડ્યો ન હતો. અંતે તેમણે જીપીસીબીમાં તપાસ કરતાં ખબર પડી હતી કે, આવી કોઈ અરજી આવી નથી. ભરત પટેલે પૈસા પાછા માગતા કિરણ અને માલિનીએ 11.75 લાખ આપ્યા હતા. બાકીના 31.11 લાખ ન આપતા સોલા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે.
