કાર્યવાહી:રાહદારીઓના હાથમાંથી 11 ફોન લૂંટી લેનાર પકડાયો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ઘાટલોડિયા ફોનવાલે પાસેથી ધરપકડ કરાઈ
  • રૂ.1.10 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન તેમજ બાઈક મળીને 2.10 લાખનો મુદ્દામાલ મળી આવ્યો

બાઈક પર ધુમ સ્ટાઇલે આવી એકલ-દોકલ રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટી લેનારા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ યુવાને છેલ્લા 6 મહિનામાં 11 ફોન લૂંટ્યા હોવાનું કબૂલ્યું હતું.

ઘાટલોડિયા ફોનવાલેની સામે આવેલા ગોપી ગૃહ ઉદ્યોગ પાસેથી પોલીસે સચિન કાંતિભાઈ ચારણ (ઉ.વ. 22, રહે. કબીરવાડી, કાંકરિયા)ને એક બાઈક તેમજ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો. પોલીસે સચિનની પૂછપરછ કરતાં તેણે શહેરના જુદા જુદા વિસ્તારમાં રાતના સમયે પસાર થઈ રહેલા એકલ-દોકલ રાહદારીના હાથમાંથી 11 મોબાઈલ ફોન લૂંટી લીધા હોવાનું કબૂલ્યું હતું. આ ફોનની કિંમત રૂ.1.10 લાખ જેટલી થાય છે.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સચિને નારણપુરા, ઇસનપુર, વાસણા, કાગડાપીઠ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ફોન લૂંટ્યા હતા. સચિન પાસેથી પોલીસે કુલ 11 મોબાઈલ ફોન તેમજ બાઈક મળીને રૂ.2.10 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સચિન વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના બે ગુના નોંધાયા હોવાથી વધુ તપાસ માટે તેને કાગડાપીઠ પોલીસને સોંપી દેવાયો છે. જ્યારે સચિન ચોરી કરેલા મોબાઈલ ફોન કોને કેટલા રૂપિયામાં વેચતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

જોકે પ્રાથમિક પૂછપરછમાં સચિન ચોરી કરેલા ફોન કેટલીક મોબાઈલ શોપના માલિકોને વેચતો હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે પોલીસે તે મોબાઈલ શોપના માલિકના નામ તેમજ શોપના નામ મેળવીને તેમની ગુપ્તરાહે તપાસ શરૂ કરી છે. જ્યારે સચિન પાસેથી મળી આવેલા ફોનના માલિકોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
Exit mobile version