નરોડામાં રેનબસેરાના સંચાલક અને ભાજપના સ્થાનિક નેતાએ રેનબસેરામાં રહેતી એક સગીરાની છેડતી કર્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે છેડતી, પોક્સો, એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ભાજપના નેતાની ધરપકડ કરી છે.પોલીસનાં જણાવ્યા મુજબ, સાબરકાંઠાની સગીરાએ ધો. 12 પાસ કર્યા બાદ અમદાવાદમાં નર્સિંગ કોલજમાં એડમિશન લીધું હતું. પરિવાર ગામમાં રહેતો હોવાથી તે નરોડામાં ગણપતિ મંદિર પાછળ આવેલા રેનબસેરામાં અન્ય યુવતીઓ સાથે બે મહિનાથી રહે છે. આ રેનબસેરાના સંચાલક તરીકે મયૂરસિંહ વાઘેલા છે, જ્યાં એક મહિલા દેખરેખ માટે આવે છે.
સામાન્ય રીતે મયૂરસિંહ બપોર પછી રેનબસેરાની ઓફિસે આવે છે અને વહેલી સવાર સુધી રોકાય છે. સોમવારે સગીરાએ તેના પિતાને વતનમાં ફોન કરીને રેનબસેરામાં રહેવાની સ્પષ્ટ ના પાડી કહ્યું કે, મારે આત્મહત્યા કરી લેવી છે. આથી પિતાએ કારણ પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે, અહીંનો સંચાલક મારી પાસે બીભત્સ માગણીઓ કરે છે.
15 દિવસ પહેલાં રાતે 10 વાગે મયૂરસિંહે તેમની ઓફિસમાં બોલાવીને મારી છેડતી કરી હતી, જેથી તે ઓફિસમાંથી બહાર ભાગી ગઈ હતી. ત્યાર બાદ તેમણે ધમકી આપી હતી કે, આ વાત તારા ઘરે કે બીજી કોઈ છોકરીઓને કરીશ તો તારંુ ભણતર બગાડી નાખીશ અને તને જાનથી મારી નાંખીશ. દીકરીની વાત સાંભળીને પિતા અમદાવાદ દોડી આવ્યા હતા અને આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં મયૂરસિંહ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
