- માત્ર કાગળ પરનાં બિલોને આધારે કરોડોની ITC મેળવી હતી
- સ્ક્રેપ, ફાર્મા, ટેક્સટાઈલ ક્ષેત્રે સૌથી વધુ બોગસ પેઢી બની
બોગસ પેઢીઓ પાસેથી જે લોકોએ બિલો લીધા હતા તેમની તપાસમાં પકડાયું છે કે, તેમણે અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી. રાજ્યમાં સૌથી વધારે બોગસ બિલો લેવામાં ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણા મોખરે છે. અધિકારીઓ હાલમાં આવી બોગસ બિલો લેનારી પેઢીઓની તપાસ કરી રહ્યા છે.
બોગસ બિલો લઇને આઈટીસી લીધી
સ્ટેટ જીએસટીએ બોગસ પેઢીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેના આધારે ડિપાર્ટમેન્ટે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. બોગસ પેઢીઓના વ્યવહારોની ડિપાર્ટમેન્ટે તપાસ કરતા જે પાર્ટીઓએ બોગસ બિલો લીધા હતા તે તમામ પેઢીઓના વ્યવહારો ચકાસતાં અધિકારીઓ ચોંકી ગયા હતા. આ પેઢીઓએ અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી.
અન્ય પેઢીઓ પાસેથી પણ બીલો લીધા
આવી પેઢીઓના વ્યવહારમાં બહાર આવ્યું કે, આ પેઢીઓ હતી સાચી પરંતુ તેઓ બોગસ બિલો લઇને તેના ઉપર આઈટીસી લઇ લેતા હતા. આવી પેઢીઓ સૌથી વધારે ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણામાં વધારે હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. બિલો લેનારાઓમાં સૌથી વધારે સ્ક્રેપ, ફાર્મા, ટેક્સટાઇલ, બ્રાસ પાર્ટ્સ અને કેમિકલ્સ જેવી કોમોડિટીના હતા. માત્ર કાગળ ઉપર અસ્તિત્વ ધરાવતી પેઢીઓ પાસેથી બીલ લેનારી પેઢીઓના વ્યવહારો તપાસ કરતા તેમણે અન્ય પેઢીઓ પાસેથી પણ બીલો લીધા હતા.
