- ઉત્તર ગુજરાતમાં ડૂબી જવાથી ખેડૂતનું તો વીજળી પડવાથી પશુઓના મોત
- મુખ્યમંત્રીએ બેઠક યોજી રાહત-બચાવની સમીક્ષા કરી
- સૌરાષ્ટ્રમાં કેરીના પાકને મોટું નુકસાન થયાની આશંકા
ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ઊના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું.
રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો
રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની તથા પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (એસઇઓસી)ના જણાવ્યા પ્રમાણે કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરત તથા અન્ય જિલ્લાઓમાં શનિવારે મોડી રાત સુધીમાં 15 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે સાંજ સુધીમાં 27 જિલ્લાના 111 તાલુકામાં 1થી 47 મીમી તથા 18 જિલ્લાના 33 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો.
કેરી સહિતના પાકને માતબર નુકસાન
મુખ્યમંત્રીએ બેઠકમાં પાકને થયેલા નુકસાનની વિગતોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જુનાગઢ તથા અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને માતબર નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકસાનની પ્રાથમિક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ઘઉં, વરીયાળીને ભારે નુકસાન
કમોસમી વરસાદે પાટણ સરસ્વતી અને સિદ્ધપુર સહિતના વિસ્તારમાં તારાજી સર્જી છે. વરસાદમાં ખેતરમાં જવા નીકળેલા ટાંકવાસણાના ખેડૂતનું વહેણમાં ડૂબી જતા મોત થયું હતું. જ્યારે મુડાણા ગામે વીજળી પડતા 12 ઘેટાના મોત થયા હતા જામવાડા ગામે વીજળી પડતા ગાયનું મોત થયું હતું તો દેલીયાથરા ગામે વૃક્ષ પડતા ભેંસનું મોત થયું હતું. ત્રણે તાલુકામાં ઘઉ, વરીયાળી, તમાકુ સહિતના પાકોમાં નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.
રાજ્યમાં અનેક જગ્યાએ વરસેલા કમોસમી વરસાદના લીધે કેરી, ઘવ, જુવાર, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને ભારે નુકશાની થાય છે. તો માવઠાને લીધે ગૃહિણીઓને મોંઘવારીનો માર પણ વધ્યો છે. માવઠાને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ જતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં 50 ટકાથી પણ વધુનો ભાવ વધારો નોંધાયો છે જેને લઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
