ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા:અમદાવાદના ખાડિયામાં ઓવરહેડ પાણીની ટાંકીમાં લીકેજના કારણે હજારો પરિવાર પાણી વગર ટળવળ્યાં

By Abhishek Raghuvanshi
3 Min Read

ઉનાળાની આકરી ગરમી શરૂ થઈ છે, ત્યારે જ હવે પીવાના પાણીની સમસ્યાનો સામનો અમદાવાદના નાગરિકોને કરવો પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાકટરોની લાલિયાવાડીના કારણે પાણી વગર લોકોએ રહેવું પડે છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ખાડિયા ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં આજે સવારે પાણી ન આવતા 1000થી વધુ પરિવાર પાણી વગર ટળવળ્યાં હતા. સારંગપુર પાસે આવેલી મધુબાગ ઓવરહેડ પાણીની ટાંકીમાં વાલ્વ લીકેજ થતા પાણીની ત્યાં ઊભી થઈ હતી. સવારે 6:30 વાગ્યે પાણી ન આવતું હોવાનું જાણ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્કરની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ખાડિયા વિસ્તારના નાગરિકોને આજે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે, પાણીની ટાંકીના વાલ્વ લીકેજની ઘટના સામે આવતા તાત્કાલિક અધિકારીઓને જાણ કરી રિપેરિંગ કરવાની સૂચના આપી હતી.

માત્ર પાંચથી દસ મિનિટ ઓછા પ્રેશરથી પાણી આવ્યું
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓવરહેડ હેડ પાણીની ટાંકીઓમાં લીકેજના કારણે ઉનાળાના સમયમાં જ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં પાણીના લીકેજની ઘટના બાદ હવે મધ્ય વિસ્તારમાં આવેલા સારંગપુરની મધુબાગ ઓવરહેડ પાણીની ટાંકીમાં વાલ્વ લીકેજ થતા આજે સવારે ખાડિયા વિસ્તારમાં પાણી આવ્યું ન હતું. જેના કારણે સવારના સમયે ખાડિયામાં ગાંધીરોડ, બાલા હનુમાન, મોટા સુથારવાડા સહિત અલગ અલગ પોળ અને વિસ્તારમાં રહીશોને પાણી વગર રહેવું પડ્યું હતું. સવારે 06:15 વાગ્યે પાણી શરૂ થયું, ત્યારે પાંચથી દસ મિનિટ પાણી એકદમ ઓછા પ્રેશરથી આવ્યું હતું અને ત્યારબાદ સદંતર બંધ થઈ ગયું હતું.

કોર્પોરેશનના અધિકારીઓને પાણીની ટાંકીએ પહોંચ્યા
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરાતા તેઓ તાત્કાલિક સારંગપુર પાણીની ટાંકીએ પહોંચ્યા હતા અને વાલ રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. વાલ્વ લીકેજના કારણે સારંગપુરના ખાડિયા ગાંધીરોડ સહિતના વિસ્તારોમાં સવારથી પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આખા દિવસમાં માત્ર બે કલાક જ પાણી મળતું હોવાથી અને નાગરિકો વહેલી સવારે પાણીના સમય દરમિયાન જ કામગીરી કરતા હોય છે. પરંતુ આજે પાણી ન આવવાથી 1,000થી વધુ પરિવારને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનએ ટેન્કર મોકલી અને પાણીની કરવાની જરૂર હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

શહેરની તમામ ટાંકીઓની તપાસ જરૂરી
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસરમાં પણ વર્ષ 2021માં બનેલી ઓવરહેડ પાણીની ટાંકીમાં લીકેજની ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી આ પાણીના લીકેજની ઘટનાને પગલે ઘોડાસર અને તેની આસપાસના 1600 જેટલા પરિવારને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર દોઢ વર્ષમાં જ આ પાણીની ટાંકીમાં લીકેજ થતા પાણીની ટાંકી બનાવનારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી સામે આવી છે. પાણીની ટાંકીના આઉટલેટમાં લીકેજ થતું હોવાને લઈ અને આવી ઘટના બને છે, ત્યારે ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનરે હવે શહેરમાં પાણીની ટાંકીઓની તપાસ કરવાની જરૂર છે. કારણ કે ઉનાળાના સમયમાં જો આ રીતે અવારનવાર પાણીની ટાંકીઓમાં લીકેજની ઘટના બને તો હજારો પરિવારોએ પાણી વગર રહેવું પડે તેમ છે.

- Advertisement -
Exit mobile version