ઉનાનું શિક્ષિત ગામ રાણવશી:દારૂના દુષણથી લોકો દૂર, યુવાનો ભણવાની સાથે નક્કી કરી લેશે મારે ક્યાં ક્ષેત્રમાં જવું; દીકરીઓ 12 સુધી તો ફરજીયાત ભણે જ છે

By Abhishek Raghuvanshi
3 Min Read

ઊનાથી 18 કીમી દૂર આવેલા રાણવશી ગામની વસ્તી 1100ની છે. મોટા ભાગના લોકો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમ છતાં પણ ગામના વડીલો તેમજ યુવા પેઢીના વિચારો વિરાટ હોય તેમ ગામની દીકરીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ ફરજિયાત કરે જ છે. મોટાભાગના યુવાનો પણ સરકારી નોકરી કરી રહ્યાં છે અને અન્ય યુવાનોને પ્રેરણાપુરી પાડી રહ્યાં છે. હાલ ગામના 10થી વધુ યુવાનો આર્મીમાં ફરજ બજાવી દેશરક્ષા કરી રહ્યાં છે અને 20થી વધુ યુવાનો આર્મીમાં જોડાવા સવારે 4 વાગ્યે દોડવાની પ્રેક્ટીશ કરી રહ્યાં છે.

પ્રસંગે ઘેર-ઘેર આમંત્રણ આપવાની પ્રથા નથી
આ ગામમાં કોઈ પરિવારને ત્યાં પ્રસંગ હોય તો ઘરે ઘરે આમંત્રણ આપવાની પ્રથા નથી માત્ર ફોન મારફત જાણ કરાઈ છે અને સમસ્ત ગામ સાથે મળી પ્રસંગમાં સહભાગી બને છે. 60 ટકાથી વધુ લોકો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલ છે.

વડીલો 4 ચોપડી જ ભણેલા છે
આ ગામમાં વડીલો માત્ર 4 ચોપડી ભણેલા છે, પરંતુ તેમના સંતાનોને ભણાવી આગળ વધારવાની રૂશી ધરાવી રહ્યાં છે. યુવાનો કંડકટરથી લઈ પોલીસ અને આર્મીમાં વિવિધ પદ પર ફરજ બજાવી રહ્યાં છે.

ડોકટર બનવાની ઈચ્છાઃ શિલ્પા

- Advertisement -
શિલ્પા

આ ગામમાં રહેતા ચીનાભાઈનું વર્ષ 2007માં નિધન થયું હતું. તેમના પરિવારમાં 5 દીકરી અને એક દીકરો છે. ત્રણ દીકરીઓના લગ્ન થયા અને એક પુત્ર રાજકોટ નોકરી કરી રહ્યો છે. નાની દીકરી શિલ્પાબેને 12 સાયન્સની પરીક્ષા આપી છે અને નિટની તૈયારી કરે છે. માતાએ મજૂરી કરી સંતાનોને ભણાવ્યા હોય શિલ્પાબેને એમબીબીએસ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

હું પોલીસ વિભાગમાં જોડાઈશઃ જિજ્ઞા

એસવાયબીએમાં અભ્યાસ કરતી જિજ્ઞા.

આ અંગે એસવાયબીએમાં અભ્યાસ કરતી જિજ્ઞાબેને કહ્યું હતું કે, હું પોલીસ વિભાગમાં જોડાવા માગુ છું. અન્ય યુવતીઓને પણ સંદેશો આપ્યો હતો કે ભણીને આગળ વધી પરિવારને મદદ કરવી જોઈએ અને પરિવારને સમાજમાં મોભાનું સ્થાન અપાવવું જોઈએ.

પૈસાથી નહીં મહેનતથી મળી રહી છે સફળતા: એક જ ઘરના 6 યુવાનો આર્મીમાં​​​​​​​​​​​​​​

પાંચાભાઈ બાંભણીયા

​​​​​​​​​પાંચાભાઈ બાંભણીયાંએ જણાવ્યું હતું કે, એક જ ઘરના 6 યુવાનો આર્મીમાં છે. ગામના યુવાનો શિક્ષિત છે. વિવિધ ભરતીમાં અમારા ગામની દીકરી, દીકરો સિલેકટ થઈને જ આવે છે. આગામી 2 કે 5 વર્ષમાં ઘરે ઘરે નોકરિયાત હશે.

મજૂરી કરીને દીકરીઓને ભણાવે છે

આચાર્ય મનુંભાઈ સોલંકી

આ અંગે આચાર્ય મનુંભાઈ સોલંકીએ કહ્યું હતું કે આ ગામમાં વર્ષ 2011 બાદ દીકરીઓ 12 સુધી ફરજીયાત શિક્ષણ મેળવે છે અને વાલીઓ મજૂરી કરીને પણ દીકરીઓ ને ભણાવે છે જે ગૌરવની વાત કહેવાય.

ગામમાં ભાઈ ચારાનું વાતાવરણ

મનુંભાઈ બાંભણીયા

વધુમાં મનુંભાઈ બાંભણીયાએ કહ્યું હતું કે ગામમાં ભાઈ ચારાનું વાતાવરણ છે અને હવે તો દીકરીઓ ભણતી થઈ છે રૂપિયા હોય તો જ આગળ વધી શકાય એ વાત ખોટી છે મહેનત થી જ સફળ થઈ શકાય છે.

શિક્ષિત ગામનો ગર્વ: સરપંચ

ગામમાં સરપંચ ગોપાલભાઈ.

આ અંગે સરપંચ ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, ગામ શિક્ષિત હોવાનો ગર્વ છે. વડીલો 3 કે 4 ચોપડી ભણતા પણ મજૂરી કરી ને પોતાના સંતાનોને ભણાવ્યા છે.

Exit mobile version