અમદાવાદ પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી:પોલીસ કમિશનરે ધ્વજ ફરકાવી, ઇસ્કોન બ્રિજમાં શહીદ થયેલ પોલીસકર્મીઓના પરિવારનું સન્માન કરી ચેક આપ્યા

By Abhishek Raghuvanshi
1 Min Read

અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા સ્વતંત્ર દિવસ નિમિતે શાહીબાગ ખાતેના પોલીસ હેડ કવાર્ટર ખાતે ધ્વજ વંદન કરીને તમામ લોકોને આઝાદીના પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ પોલીસમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ અકસ્માતમાં પણ શહીદ થયેલ પોલીસ જવાનોના પરિવારને ચેક અર્પણ કરીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ઇસ્કોન બ્રિજમાં શહીદ થયેલા પોલીસકર્મીઓને સહાય
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, જે પોલીસ જવાન ફરજ પર શહીદ થયા તેને શ્રધાંજલિ આપવામાં આવી છે. શહીદોના પરિવારજનો માટે શહેર પોલીસ મદદ માટે કાર્યરત રહેશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઝડપી કાર્યવાહી કરી દાખલો બેસાડયો છે. ઇસ્કોન બ્રિજમાં શહીદ થયેલા પોલીસકર્મીઓને સહાય પણ આપવામાં આવી છે. આગામી સમયમાં ગણેશ મહોત્સવ, નવરાત્રી, ક્રિકેટ મેચ આવી રહી છે, તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસ રહેશે. પોલીસ લોકોની મિત્ર છે તે સાબિત કરવાનું છે. ગુનેગારોને કાયદાનો ડર અનુભવાય તે પ્રમાણે કામ કરવાનું છે.

જી.એસ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર.
Exit mobile version