અમદાવાદમાં બનેલી ગોઝારી અકસ્માતની ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે સુરતમાં પણ અમદાવાદના અકસ્માતને લઈ પોલીસ એલર્ટ જોવા મળી હતી. શહેરમાં વધતા ક્રાઈમના બનાવો અને અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં ના થાય તે માટે ગતરોજ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરના વિવિધ ચાર રસ્તાઓ ઉપર પોલીસ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો
શહેરમાં વાહન ચાલકો દારૂના નશામાં કે મોજ શાખ માટે લટાર મારવા નીકળી પડતા નબીરાઓ કોઈ અકસ્માતની ઘટનાને અંજામ ન આપે, આ સાથે નંબર વિના કે ખોટી નંબર પ્લેટ લગાવી સ્નેચિંગ જેવા ગુના કરવા નીકળતી ગેંગ અને માથાભારે ટપોરીઓને ઉગતા જ ડામી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને સરપ્રાઈઝ ચેકિંગ કરવા આદેશ આપ્યા હતા. આ દરમિયાન શહેરના મહત્વના દરેક ચાર રસ્તા ઉપર પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો.
વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી
શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ પોલીસ કર્મચારી સુધીનો કાફલો મોડી રાત સુધી રસ્તા ઉપર જોવા મળ્યો હતો. શહેરના ભાગ્ય જ કોઈ રસ્તા એવા હતા જેની પર પોલીસ દેખાતી ન હતી. પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોની સખતાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું, તથા દારૂડીયાઓને પકડવા આદેશ ફરમાવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે કોમ્બિંગ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યક્તિઓને ડીટેલ કરવાની સાથે કારની કાળી ફિલ્મ સ્થળ પર દૂર કરાવી હતી. ઉપરાંત અનેક વાહનચાલકોને સ્થળ પર દંડિત કરાયા હતા, તો ફેન્સી નંબર પ્લેટ અથવા નંબર વિનાના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી.
