અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ:ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ, નવા વાડજ, આશ્રમ રોડ, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, જમાલપુરમાં ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

By Abhishek Raghuvanshi
2 Min Read

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. શહેરના ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ, નવા વાડજ, આશ્રમ રોડ, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, જમાલપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો
ગઈકાલથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે સવારે એસજી હાઈવે, થલતેજ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

29 જૂને 4 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 29 જૂને 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યારસુધીમાં 13.45 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

30 જુને 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદમાં પણ આજથી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હાલ મોન્સૂન સમયસર એક્ટિવ થવાથી વરસાદ થશે. ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બીજા અને ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી.

Exit mobile version