અમદાવાદની અવધ આર્કેડમાં ભીષણ આગ:ધૂમાડો ઉપરના માળ સુધી પહોંચતા નાસભાગ, ફાયરબ્રિગેડની 10 ગાડી દોડી આવી, બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને રેસ્ક્યૂ કરાયા

By Abhishek Raghuvanshi
1 Min Read

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો છે. આગનો ધુમાડો ઉપર સુધી પહોંચતા નાસભાગ મચી હતી. જો કે, આજે રજાનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં વધારે વ્યક્તિ હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. ચાર વ્યક્તિને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને બહાર કઢાયા
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જીવરાજ પાર્ક વિસ્તારમાં અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં ભોંયરામાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા ચાર લોકોને અત્યારસુધીમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ભોંયરામાંથી ધૂમાડો ઉપર સુધી ગયો હતો, જેને કારણે બિલ્ડિંગમાં જેટલા લોકો ફસાયેલા હતા, તેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આગ કયા લાગી તે જાણી શકાયું નથી
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જીવરાજ પાર્ક અવધ આર્કેડમાં લાગેલી આગ હાલમાં કાબૂમાં આવી ગઈ છે. માત્ર ધુમાડો છે જેને હાલમાં બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જોકે, હાલ આગ ક્યાં લાગી છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. આગ કેવી રીતે લાગી તે અંગે એફએસએલ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

Exit mobile version