અકસ્માત બાદ Live રેસ્ક્યૂ:નરોડા રિંગ રોડ પર એક પાછળ બીજી ટ્રક ઘુસી, ડ્રાઇવરને સ્ટેયરિંગ અને સીટનો ભાગ કાપી ફાયર બ્રિગેડે સહી સલામત બહાર કાઢ્યો

By Abhishek Raghuvanshi
4 Min Read

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર નરોડા દાસ્તાન સર્કલ પાસે આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકની પાછળ બીજી ટ્રક ઘુસી જતાં ડ્રાઇવર અને ક્લીનર બંને ફસાઈ ગયા હતા. બંનેને સહી સલામત બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા ક્લીનરને લોકોએ બહાર કાઢ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ડ્રાઇવરનો પગ સ્ટેયરિંગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હોવાથી હાઇડ્રોલિક સાધનોની મદદથી 45 મિનિટની ભારે જહેમત બાદ તેને સહી સલામત બહાર કાઢી સારવાર માટે 108માં હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

ગાયને બચાવવા જતાં ટ્રક પલટીને ડિવાઈડર કૂદી ટ્રકને અથડાઈ
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ નરોડા રિંગરોડ પર દાસ્તાન સર્કલ પાસે એક ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ગાય વચ્ચે આવી જતા ટ્રકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ગાયને ટક્કર મારી ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી થઈ ડિવાઇડર પર ચડી ગઈ હતી ત્યારે પાછળ કુલ ઝડપે અન્ય એક ટ્રક આવી રહી હતી અને તે ટ્રક ચાલક પણ ટ્રકને કંટ્રોલ કરી શક્યો નહીં અને ધડાકાભેર ટ્રકની પાછળ ઘુસાડી દીધી હતી. જેથી ટ્રક ચાલક અને ક્લીનર બંને ફસાઈ ગયા હતા. જેમ તેમ કરી લોકોએ ક્લીનરને બહાર કાઢી લીધો હતો, પરંતુ ડ્રાઇવરનો પગ સ્ટેયરિંગ અને સીટની વચ્ચે ફસાઈ ગયો હતો અને તે બહાર નીકળી ન શકતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની નિકોલ ટીમ પહોંચી
નિકોલ ફાયર સ્ટેશનની ટીમ હાઇડ્રોલિક સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાઇવર ગજેન્દ્રસિંહ ચૌહાણનો પગ ફસાયેલો હોવાથી સહી સલામત બહાર કાઢવા હાઇડ્રોલિક સાધનોની મદદ લેવામાં આવી હતી. તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડ્રાઇવરને ઇજા ન થાય તે રીતે સંપૂર્ણ તકેદારી રાખી અને અને ટ્રકનો કેટલોક ભાગ કાપી અને સહી સલામત તેને બહાર કાઢ્યો હતો. અંદાજે 45 મિનિટના ઓપરેશન બાદ બહાર કાઢી સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક ચાલકની ટક્કરથી ગાયનું પણ મોત થયું હતું અને જે ટ્રક ગઈ હતી. તેને ડ્રાઇવરને પણ ઈજા થઈ હતી. અકસ્માતમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનર રાજસ્થાનથી મુંબઈ ટ્રક લઈ જતા હતા અને નરોડા રિંગ રોડ ખાતે આકસ્માત સર્જાયો હતો.

અમદાવાદમાં ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી
અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની 9થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. પંપ હાઉસમાં બોઇલર વિસ્તારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. બે કલાકથી વધુની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

- Advertisement -

કોઈ જાનહાની નહીં
અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે 03:00 વાગ્યાની આસપાસ કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, પીરાણા પીપળજ રોડ પર શાંતિ પ્રોસેસમાં ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં આગ લાગી છે. તેથી ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી. કંપનીમાં ઓઇલ બોઇલર એરિયામાં પંપ હાઉસમાં થર્મિક ફ્લુઇડ લાઇનમાં પંપ પાસે સ્પાર્ક થયોને ટેમ્પરેચર વધતા આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે 20000 લિટર થર્મિક ફ્લુઈડ ઓઇલની ટાંકીમાંથી આપતા ઓઇલને બંધ કરી 4 લાઇનથી ફાયર ફાઈટિંગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Exit mobile version