- DGFTના જોઈન્ટ ડિરેક્ટર બિશ્નોઈનો અંગત ડ્રાઈવર કોઈ વ્યક્તિની મદદથી સ્કોર્પિયો અને સ્કોડામાં માલ ભરી ભાગી ગયો
- 5 હજાર અમેરિકી ડોલર, કોરિયન કરન્સી અને અન્ય વ્યકિતઓના નામે થયેલા વ્યવહારોની 12થી વધુ ચેકબૂક મળી
શુક્રવારે સાંજે વિદેશી વ્યાપારની કચેરીમાં જોઈન્ટ ડિરેક્ટર લાંચ લેતા રંગે હાથ પકડાયા હતા. આ રેડ પડી છે આ વાત 15 જ મિનિટમાં લીક થઈ ગઈ હતી. આથી બિશ્નોઈનો અંગત ડ્રાઈવર સ્કોર્પિયો અને સ્કોડા સાથે તેના નિવાસસ્થાને પહોંચે છે. ઘરમાં પડેલા રોકડ, સોના-ચાંદીના ઝવેરાત, સોનુ ખરીદ કર્યાના બિલ જેટલું સમાય તેટલું લઈને ભાગી જાય છે.
20 થી વધુ બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા
આ સિવાય સીબીઆઈની તપાસમાં 5 હજાર અમેરિકી ડોલર, ઝવેરાત, કેટલાક કિંમતી દસ્તાવેજો અને અન્ય વ્યકિતના નામે થયેલા વ્યવહારોની 12 થી વધુ ચેકબૂક મળી છે. સ્કોર્પિયો અને સ્કોડામાં જેટલુ મળે એટલુ ભરીને ઝડપથી નીકળી જાય છે. સીબાઈની તપાસમાં જેટલું મળે છે તે બધુ કબજે લેવામાં આવ્યું છે તેમજ 20 થી વધુ બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. અધિકારીના અલગ-અલગ બેન્કમાં ખાતા હોવાનું માલૂમ પડ્યું છે. અધિકારી બે કાર અને બે ડ્રાઈવર રાખતા હતા. જેમાં એક તેની પાસે સફેદ કલરની સ્કોર્પિયો હતી જે ખૂદ અધિકારી પોતાના વપરાશ માટે રાખતા હતા. જ્યારે સ્કોડા તેનો દીકરો અને દીકરી વાપરતા હતા. બિશ્નોઈના પરિવારજનોની વૈભવી લાઇફ સ્ટાઈલ હતી.
CBIએ માનવતા દાખવી, અધિકારીના પુત્રે તોછડાઈ કરી
સીબીઆઈના અધિકારીએ મૃતકના પરિવાર માટે માનવતા દાખવી હતી. બિશ્નોઈની અંતિમવિધિમાં કે વ્યવહાર માટે પૈસાની જરૂર પડે તો તેને કોઈની લાચારી ના ભોગવવી પડે તે માટે તેને રૂ. 60 હજાર રોકડા આપ્યા હતા અને કહ્યું હતું કે આ તમારી પાસે રાખો. જેથી કરીને તમને ઉપયોગી બની શકે.
પરંતુ બિશ્નોઈના દીકરાએ અધિકારી સાથે તોછડાઈ કરી હતી અને પૈસાનો ઘા કરીને કહ્યું હતું કે આ તમારી પાસે રાખો અમારે નથી જોઈતા. જો કે મૃતકના દીકરાનું આ વર્તન જોઈને અધિકારીમાં પણ રોષ જોવા મળ્યો હતો. સીબીઆઈની તપાસ ચાલુ હતી આમ છતાં બિશ્નોઈની પત્ની કે તેના પુત્રે કોઈએ અધિકારીને પાણીનો પણ આગ્રહ નહોતો કર્યો.
બિશ્નોઈએ માગેલી લાંચનું લિસ્ટ CBI પાસે હોવાની ચર્ચા
બિશ્નોઈ દરેક કામકાજ પતાવવા, ફાઈલ ક્લિયર કરવા માટે અરજદાર પાસેથી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ વ્યાપક ઊઠી છે. આ ફરિયાદ સીબીઆઈ સુધી પહોંચી હતી અને તેમને તેની ખરાઈ કરી હતી.તેમજ તેની પાસે હવે જે ડિલ થવાની હતી તેનું પણ લિસ્ટ આવી ગયું હતું. ચર્ચાતી વિગતો મુજબ, બિશ્નોઈ સોમવારે એટલે કે આજે તેને અલગ કિસ્સામાં બીજા અરજદાર પાસેથી લાંચ માંગી હતી. આ લાંચની રકમ સ્વીકારે ત્યારે તેને રંગે હાથે પકડી લેવાનો પ્લાન હતો. પરંતુ અચાનક પ્લાન બદલાયો અને શુક્રવારે જ રેડ કરી દેવામાં આવી હતી.
અલગ કિસ્સામાં બીજા અરજદાર પાસેથી લાંચ માંગી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી 1 હજાર કરોડ રૂપિયાની કૃષિ પેદાશથી લઇને ઓટો મોબાઈલ, એન્જિનિયરિંગની પ્રોડકટ દર મહિને વિશ્વભરમાં નિકાસ થાય છે. આમ, આ પોસ્ટ મહત્વની છે. 2018માં પણ એક અન્ય અધિકારી લાંચ લેતા પકડાઈ ગયા છે. ત્યારબાદ આ બીજી ઘટના છે કે જેમાં બિશ્નોઈ લાંચ લેતા પકડાઈ ગયા છે.
મોટી રકમના હિસાબોમાં ગોટાળા હશે
ચર્ચાતી વિગત મુજબ ફરિયાદી તરફથી દબાણ આવતા તાત્કાલિક રેડ પાડવામાં આવી છે અને આ રીતે આખેઆખો પ્લાન બદલાઈ ગયો. નિકાસકારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, સામાન્ય રીતે કોઈપણ ફાઈલ કે હિસાબ ક્લિયર કરવા માટે કુલ રકમ હોય તેના 2 ટકામાં લાંચ મંગાતી હોય છે અને આ માટે ખાસ કન્સલ્ટન્ટ પણ હોય છે જે ખૂદ પોતાનું કમિશન રાખે છે. જે રીતે આ પ્રકરણમાં લાંચની રકમ સ્વીકારવામાં આવી છે તે જોતા અરજદારની જે ફાઈલ હશે તેમાં મોટી રકમના હિસાબોમાં ગોટાળા હશે. જેને છુપાવવા માટે આવડી મોટી રકમની લાંચની રકમ નક્કી થઈ હોય.
