
આજે અક્ષય તૃતીયાના પાવન દિવસથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થતી હોય છે. આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર કિરીટ પરમાર અને ધારાસભ્યો દ્વારા નવા ત્રણેય રથની પૂજન વિધિ કરવામાં આવી હતી. 72 વર્ષ બાદ આ વર્ષે નવા રથો બનાવવામાં આવ્યા છે. આજે ચંદન વિધિ પણ કરવામાં આવતી હોય છે. ત્રણેય રથો પર ચંદનના લાકડાં મૂકી પૂજા કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભદ્ર પ્લાઝામાં થયેલા દબાણો સામે ચોક્કસ કાર્યવાહી થશે.
200 વર્ષ ચાલે તે રીતના રથનું નિર્માણ
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે પૌરાણિક રથ જે હતા તે મુજબના નવા રથ બનાવવામાં આવ્યા છે તેનું પૂજન કરવામાં આવ્યું છે. રથયાત્રાએ લોકોની આસ્થાનો વિષય છે. રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટ પોલીસ તંત્ર અને સરકારી તંત્ર તૈયાર છે. આશરે 200 વર્ષ સુધી ચાલે તે રીતના રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે સૌ શહેરીજનોની રક્ષા કરે.
ભગવાન જગન્નાથની પૂજા કરી
આગામી 22 જૂનના રોજ ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા યોજવાની છે ત્યારે આજે અખાત્રીજના દિવસે ભગવાનના નવા ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું .મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા હર્ષ સંઘવી પાસે ત્રણેય રથોનું પૂજન કરાવવામાં આવ્યું હતું. રથની પૂજન વિધિ બાદ આરતી કરવામાં આવી હતી. આજથી હવે રથના કલર કામથી લઈ અને નાના મોટા સમારકામની કામગીરી કરવામાં આવશે. જે એક મહિનામાં પૂર્ણ થઈ જશે. ત્રણેય રથના પૂજન બાદ જગન્નાથ મંદિરમાં પણ ભગવાન જગન્નાથની પૂજા કરી હતી.
હર્ષ સંઘવીએ ભદ્રકાળી મંદિરમાં સફાઇ કરી
રાજ્યના મોટા મંદિરોની સાફ-સફાઈનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આજે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે સાત વાગ્યે હર્ષ સંઘવી દ્વારા મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ હાથમાં ગ્લોવ્ઝ પહેરી અને સાવરણાથી મંદિર પરિસરની સફાઈ કરી હતી. મંદિર સફાઈ અભિયાનમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના કોર્પોરેટરો અને શહેર સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા
ભદ્રકાળી મંદિરમાં ભાજપના નેતાઓ હાજર રહ્યાં
લાલ દરવાજા નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે સાફ-સફાઈ અભિયાન અને જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથ પૂજનમાં હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય દિનેશ કુશવાહ, જીતુ પટેલ, હર્ષદ પટેલ, કૌશિક જૈન, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવાશે
લાલ દરવાજા નગર દેવી ભદ્રકાળી મંદિર પાસે થયેલા દબાણોને લઈ હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભદ્ર પ્લાઝા ખાતે થયેલા દબાણોને લઈને ચોક્કસ કાર્યવાહી થશે. પરંતુ જે નાના ગરીબ વેપારીઓ છે જે સવારથી લઈ સાંજ સુધી મહેનત કરી અને કમાય છે. તેમની રોજગારી છીનવીને નહીં પરંતુ યોગ્ય આયોજન કરી અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
