SP રિંગ રોડનો ગ્રાઉન્ડ રિપોર્ટ:આ કોઈ ચંદ્ર પરની ધરતી નહીં, પણ અમદાવાદનો રિંગ રોડ છે, ટોલ ચૂકવવા છતાં કમરના મણકા તૂટે એવો રસ્તો

By Abhishek Raghuvanshi
4 Min Read

દર વર્ષની જેમ આ વર્ષના ચોમાસામાં પણ અમદાવાદ શહેરમાં રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મોટા ભાગના રસ્તાઓ અને રોડ ધોવાઇ ગયા છે, જેને કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સરદાર પટેલ રિંગ રોડ અનેક જગ્યાએ રોડ ધોવાઇ ગયો હોવાની અને ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્માર્ટસિટીની સાન સમાન રિંગ રોડની હાલત પણ અતિબિસ્માર થઈ ચૂકી છે. રિંગ રોડ પરથી ભારે વાહનો પસાર થાય છે અને તેઓ ટેક્સ ચૂકવે છે છતાં પણ તેમને આવા ખાડા અને તૂટેલા રોડ પરથી વાહન ચલાવવું પડે છે. જોકે આમ છતાં ખાડાને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ છે, જેને પગલે દિવ્ય ભાસ્કરે સરદાર પટેલ રિંગ રોડ ઉપર પડેલા ખાડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે.

તમામ રોડ રિપેર કરાયા છેઃ ઔડાના CEO ડી.પી. દેસાઈ
આ અંગે ઔડાના CEO ડી.પી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ રિંગ રોડ પર જે પણ ખાડા પડ્યા છે અને રોડ ધોવાયા છે એ તમામ રોડ રિપેર કરવામાં આવ્યા છે અને હજી પણ કામગીરી કરવામાં આવી રહી છે.

બાંધકામ સમયના સળિયા દેખાવા લાગ્યા
આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ આ રીતે મોટા ખાડા પડ્યા છે અને રોડ તૂટી ગયા છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થયા છે. ભાટગામથી નરોડા તરફ જતા વચ્ચે કરાઈ બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા છે. રોડ એટલો તૂટ્યો છે કે બાંધકામ સમયે લગાવેલા સળિયા પણ દેખાઈ રહ્યા છે. બ્રિજની બન્ને તરફ આ રીતે નાના ખાડા પડી ગયા છે. ખાડા અને તૂટેલા રોડના કારણે વાહન ધીમું ચલાવી પસાર થવું પડે છે, જેને કારણે પાછળ લાંબો ટ્રાફિકજામ પણ થઈ જાય છે. બ્રિજ પરના આખા રોડને તાત્કાલિક રિપેર કરવાની જરૂર છે.

ઔડા દ્વારા આ તમામ જગ્યાએ રિપેરિંગ કરવામાં આવ્યું નથી
રિંગ રોડ પર જ રણાસણ ફાટકથી નાના ચિલોડા તરફ આવતો રોડ છે, જ્યાં બ્રિજની કામગીરી ચાલે છે, તેની સાઈડનો રોડ ખૂબ જ ખાડા-ટેકરાવાળો અને તૂટેલો છે. ઓઢવથી વસ્ત્રાલ સુધીનો રોડ પર પણ ખાડાઓ પડ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં સાઉથ બોપલ જવાના રોડ પર સનાથલ-શાંતિપુરા સર્કલ પાસે પણ ખાડા પડી ગયા છે. રિંગ રોડ પર મોટા ભાગનો રોડ ધોવાઈ ગયો છે અને ખાડા છે, જેને કારણે વાહનચાલકોએ ધીમેથી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડે છે. રોજના હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે. આમ છતાં પણ ઔડા દ્વારા આ તમામ જગ્યાએ રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી.

- Advertisement -

અનેક જગ્યાએ ખાડા-ટેકરાવાળા અને તૂટેલા રોડ
સરદાર પટેલ રિંગ રોડ પર આ રીતે પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડા-ટેકરાવાળો રોડ અને તૂટેલા રોડ છે. વાહનચાલકોએ આ રોડ પરથી પસાર થતી વખતે સાવચેતીપૂર્વક સાઇડમાંથી વાહન ચલાવવું પડે રીતે સ્થિતિ પેદા થઇ છે, પરંતુ ઔડાના સત્તાધીશો દ્વારા વરસાદ બંધ થયાના એક અઠવાડિયા બાદ પણ હજી સુધી આ તમામ રોડને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને કારણે વાહનચાલકો અને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધારે રિંગ રોડ પરથી ભારે વાહનો પસાર થાય છે, તેઓ દ્વારા ટોલટેક્સ પણ આપવામાં આવે છે, પરંતુ તેમને ખાડા-ટેકરાવાળા રોડ પરથી જ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.

Exit mobile version