આજથી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક:અમિત શાહ આજે ભાજપના 13 જિલ્લાના 47 ઉમેદવારો નક્કી કરશે

By Abhishek Raghuvanshi
4 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જંગ ખેલાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો 108 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી.આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની સંકલન સમિતીની બેઠક યોજાશે. જેમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ બેઠકમાં 182 બેઠકો પર ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થશે. 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા ગુરૂવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થવા જઈ રહી છે. આજે મળનારી બેઠકમાં 47 બેઠકો પર ઉમેદવારો નક્કી થશે.

13 જિલ્લાની 47 બેઠકો પર ઉમેદવારો નક્કી થશે
આજે મળનારી ભાજપની ચૂંટણીલક્ષી બેઠકમાં 13 જિલ્લાની 47 બેઠકો પરના ઉમેદવારો નક્કી થશે. જેમાં મુખ્યત્વે અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, વલસાડ,તાપી, નર્મદા, મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર બેઠક પરના ઉમેદવારોનું મંથન થશે. નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોના નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામા આવશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો જ સમાવેશ થતો હતો. છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ તેમાં સમાવેશ થયો છે.

આજની બેઠકમાં ઉમેદવારો અંગે ચર્ચા થશે

એક બેઠક ઉપર 3થી 5 નામોની પેનલ તૈયાર કરાશે
ગાંધીનગર સ્થિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને બંગલાની બહાર મોટો મંડપ બંધાયો છે. અગાઉ સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યો હતા. જેમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, વિજય રૂપાણી, નીતિન પટેલ, બે પૂર્વ મંત્રી ફળદૂ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ત્રણ સાંસદો અનુક્રમે રાજેશ ચુડાસમા, ડો.કિરીટ સોલંકી અને જશવંતસિંહ ભાભોર તેમજ પૂર્વ મેયર કાનજી ઠાકોર ઉપરાંત મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપિકા સરડવાનો સમાવેશ કરાયો હતો. હવે કુલ 17 સભ્યો એક બેઠક ઉપર ત્રણથી પાંચ નામોની પેનલ તૈયાર કરશે.

સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ 2 દિવસ ગુજરાતની મુલાકાતે
રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આજે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. સહ પ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. તેઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં બેઠક કરશે.

- Advertisement -
અમિત શાહ ચાર દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં

ભાજપે 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને સોંપી મોટી જવાબદારી
વિધાનસભાની ચૂંટણીની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે ત્યારે ભાજપે ફરી વાર ચૂંટણીમાં વિજય મેળવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે. જેમાં 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને આપી જવાબદારી સોંપવામાં આવી છે. જે માટે ભાજપે રાષ્ટ્રીય હોદેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપી છે. જે અનુસંધાને શહેરી વિસ્તારો સિવાય તમામ જિલ્લાઓમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે તમામ નેતાઓ જે તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે અને ચૂંટણી જીતના સમીકરણો રચશે.

કોને ક્યાં જિલ્લામાં જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનાવવા ભાજપે રણનીતિના માર્ગ મોકળો કરતો હોય તેવું જણાી રહ્યું છે ભાજપે સેન્સ પ્રક્રિયા બાદ ચૂંટણી જીત માટે તેમણે 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠાની જવાબદારી સોંપાઈ છે. વિનોદ તાવડેને વડોદરાની જવાબદારી, સી ટી રવીને આણંદની જવાબદારી સોંપાઈ છે. તરુણ ચૂગને જામનગર જિલ્લો સોંપાયો તો સ્વતંત્રદેવ સિંહને કચ્છ જિલ્લાની જવાબદારી અપાઈ છે. ઈંદર પરમારને ખેડા જિલ્લો, અરવિંદ ભદોરીયાને ભરૂચ જિલ્લો સોંપાયો છે. નિતીન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જે તમામ નેતાઓ જે તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે.

Exit mobile version