- હાલોલ સબ રજિસ્ટ્રાર, સ્ટેમ્પ ડયૂટી કલેકટરની સંડોવણીનો આક્ષેપ
હાલોલ સહિત પંચમહાલ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ તથા સ્ટેમ્પ ડ્યુટી કચેરીની મિલીભગતથી જિલ્લામાં રૂા.500 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરતી લેખિત રજૂઆત હાલોલના જાગૃત નાગરિકે મુખ્યમંત્રી, નોંધણી નિરીક્ષક કચેરી સહિતનાઓને કરતાં પંચમહાલ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હાલોલ જાગૃત નાગરિકે લેખિતમાં આક્ષેપ કર્યા કે હાલોલની એક કંપનીની હરાજીમાં રૂા. 25 કરોડ કિંમત હતી અને જંત્રી મુજબ રૂા.4.50 કરોડની રકમ થાય છે. તો આ વેચાણ દસ્તાવેજોમાં હાલોલના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ.પી. મારકના, તેમના ઉપરી અધિકારી અાઇ.અાર હઠીલા તથા સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અમિતા ડાભીનાો મળીને કંપનીને ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ કરીને હરાજીની રકમના બદલે જંત્રીની રકમ બતાવીને રૂા.22 લાખ જેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરીને કંપનીને સરકારને નુકસાન કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
સરકારે ખુલ્લા પ્લોટના વેચાણ સંદર્ભે જીઆર બહાર પાડ્યો હતો. તેમ છતાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવા બિલ્ડરો સ્થળ ઉપર મકાન બાંધી ઓપન પ્લોટનો દસ્તાવેજો કરતા હતા. આવા દસ્તાવેજો કરવાના હાલોલ સબ રજિસ્ટ્રાર એક દસ્તાવેજના રૂા.5 હજાર લેતા હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલોલમાં આવા એક વર્ષ સુધી દસ્તાવેજો થયા હતા. જે સર્વર ડેટા ચેક કરવાથી મળી શકે તેમ છે. જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં રજિસ્ટ્રર બાનાખાત કર્યા બાદ સોદો કેન્સલ થતો હોય તો એક ટકા પ્રમાણે રજિસ્ટ્રી ફી ભરવાની હોય છે.
આવા બાનાખાતા રદ સોદામાં હાલોલ સહિત જિલ્લાની ઓફિસોમાં લાંચ લઇને લખી આપનારનો બાનાખાત ફક્ત રૂા. 300 રજિસ્ટ્રેશન ફી લઇને કેન્સલ કરી આપતા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆતમાં કર્યો છે. હાલોલના સબ રજિસ્ટ્રારે તુલસીદાસ પી.મારકણાએ ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપતિ વસાવી હોવાનો આક્ષેપ કરીને રજૂઆતકર્તાએ પુરાવા સાથે રજૂઆત કરી હતી. જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડયુટી કચેરીની મિલીભગતની છેલ્લા 5 વર્ષમાં રૂા.500 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોવાનો આક્ષેપ કરતાં પંચમહાલમાં સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આક્ષેપ કરતી રજૂઆત જિલ્લા કલેક્ટર પાસે પણ પહોચી છે. કલેક્ટર સુજલ મયાત્રા દ્વારા આક્ષેપ કરતી રજૂઆતની તપાસ હાથ ધરશે.
કરોડોની ચોરીની રજૂઆત મળી છે, કસુરવાર સામે કાર્યવાહી કરાશે
જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની રૂા.500 કરોડની ચોરી થઇ હોવાની રજૂઆત મળી છે. જિલ્લાની કચેરીઓમાંથી બાનાખાતા રજિસ્ટ્રેશન, વેચાણ દસ્તાવેજો સહિતની ચકાસણી કરવા ટીમ બનાવવામાં આવશે. અને જો તપાસમાં કોઇ કસુરવાર નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.- સુજલ મયાત્રા, કલેક્ટર, પંચમહાલ
