- ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ આર્થિક સંકડામણથી ઉશ્કેરાઈને માતા-બહેનને ચપ્પુના ઘા માર્યા હતા
- બહેનને ઘરની બહાર રસ્તામાં સુવડાવી શાક સમારવાના ચપ્પુથી હુમલો કર્યો હતો
- ચપ્પુના ઘા માર્યા છતાં વરણામા પોલીસે માત્ર મારામારીનો જ ગુનો નોંધ્યો
વડોદરાના ખટંબામાં ઘરમાં આર્થિક સંકડામણના કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કરી અસંખ્ય ઘા મારી દીધા હતા. માતા-બહેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બહેનને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતો ભાઈનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો યુવક ગુસ્સામાં ઘરના કાચ તોડતો પણ દેખાય છે અને યુવક એટલી હદે નફટાઈ પર ઉતરી આવ્યો હતો કે, વીડિયો ઉતારી રહેલા લોકોને અભદ્ર ઇશારા પણ કરે છે.
બહેન બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે
વડોદરા શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષિય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો 24 વર્ષીય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની 21 વર્ષિય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે.
દીકરો માનસિક તણાવામાં જોરથી બોલવા લાગ્યો
માતાની ફરિયાદ મુજબ, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય તેવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ, તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી.
ભાઈએ બહેન પર ચપ્પુના ઘા માર્યા
દરમિયાન ભાઈ બેને પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને શાક સમારવાના ચપ્પુ વડે તેના પેટ અને પગમાં ઉપરાછાપરી 11 ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી અને તેણે ઘરમાં કાચ તોડી નાખ્યા હતા. દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેઓએ દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતાં. ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાતા પોતાના વતન દમણ જતા રહ્યા છે.
પોલીસે મારામારીનો જ ગુનો નોંધ્યો
યુવકે શાકભાજીના ચપ્પુ વડે બહેનના પેટ અને પગના ભાગે 14 થી 15 મિમી ઊંડા ઘા માર્યા હતા. સામાન્ય સંજોગોમાં પોલીસ આ પ્રકારની ઘટનામાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરતી હોય છે. જોકે, આ કેસમાં આઈપીસી 323 અને 326 એટલે કે હથિયાર વડે ઈજા પહોંચાડવી કે, મારામારી કરવીનો ગુનો દાખલ થયો છે.
