સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કોર્ટમાં દોષિત ફેનિલને સજા બાબતે બચાવ પક્ષે કહ્યું- આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી, ઓછી સજા કરો, સરકાર પક્ષની દલીલો શરૂ

By Abhishek Raghuvanshi
5 Min Read
  • સરકાર પક્ષ ફાંસીની જ માગ કરશે, જે અંગે બચાવ પક્ષને પણ કહીં દીધું: સરકારી વકીલ

સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. આ કેસમાં સુરતના ઇતિહાસમાં સૌથી ઝડપી ચાલેલી ટ્રાયલમાં ગુરુવારે મુદત દરમિયાન ફેનિલને દોષિત જાહેર કર્યો હતો. હવે આજે સજા પર દલીલો શરૂ કરવામાં આવી છે, ત્યારે દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. હાલ બચાવ પક્ષની દલીલો ચાલી રહી છે.

બચાવ પક્ષની દલીલો
કોર્ટમાં બચાવ પક્ષે દલીલો શરૂ કરી હતી. જેમાં અન્ય દેશનો ઉદાહરણ આપીને બચાવની રજૂઆત કરાઈ હતી. બચાવ પક્ષે કહ્યું હતું કે અમારા કેસમાં કોઈ રેપ નથી, કોઈ બાળકી નથી અને કોઈ પોક્સો નથી. રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. જેથી આરોપીનું ભવિષ્ય જોઈને શક્ય હોય એટલી ઓછામાં ઓછી સજા ફરમાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો
સત્ર ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલાં ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરુવારે પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આજે આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.

આરોપીએ કંઈપણ કહેવાથી ઇનકાર કરી દીધો
પ્રોસિજર દરમિયાન કઠેરામાં ઊભેલા આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે સતત પૂછ્યું હતું કે ‘ તમારે કંઇ કહેવું છે. આ અગત્યનો તબક્કો છે. તમે કહેશો એ સાંભળવામાં આવશે. તમે એકલા કંઇ કહેવા માગતા હોવ તો કોર્ટ ખાલી કરાવી દઈએ. તમને મૃત્યુદંડ કે આજીવન કેદની સજા થઈ શકે છે. બોલો! કોર્ટ તમને મૃત્યુદંડની સજા કેમ ન કરે’ કોર્ટે વારંવાર પૂછયું હોવા છતાં આરોપીએ કંઇપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે આરોપીને કહ્યું કે તમે જે કહેવા માગો છો એ કહી શકો છો. કોર્ટ તેના પર વિચાર પણ કરશે.

- Advertisement -
કોર્ટમાં ફેનિલ ચૂપ જ રહ્યો.

બોલવાનો અધિકાર છે એમ ચૂપ રહેવાનો પણ
કોર્ટ તમને દોષી માને છે. કોર્ટ આ કૃત્યને ખૂબ જ ખરાબ ગુનો માને છે. જેના હાથમાં કોઈ શસ્ત્ર નથી, જેનો કોઇ વિરોધ નથી તેની હત્યા કરવામાં આવી. કોર્ટ ત્યાર બાદ પેનને ટાંકીને કહે છે કે મારી પાસે આ એક જ શસ્ત્ર છે. મને મળેલી સત્તા અને ફરજના ભાગરૂપે તમારો વધ કરવાનો હુકમ શા માટે ન આપું. તમને મૃત્યદંડ કેમ ન આપું. તમારી પાસે બોલવાની આ છેલ્લી તક છે. જે કંઇ કહેશો કોર્ટ એના પર ખૂબ વિચાર કરશે. કોર્ટની ફરજ ન મિત્ર, ન શત્રુની છે. આ દરમિયાન બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ ઊભા થઇ કહે છે કે જેમ તેને બોલવાનો અધિકાર છે તેમ ચૂપ રહેવાનો પણ છે.

ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.

2 સપ્તાહમાં કુલ 190 પૈકી 105 સાક્ષીને ચકાસાયા
ગ્રીષ્મા વેકરિયાની હત્યામાં આરોપી ફેનિલની ધરપકડ બાદ 7 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતાં સ્પીડી ટ્રાયલ શરૂ થઈ હતી. 2 જ સપ્તાહમાં કુલ 190 પૈકીના 105 સાક્ષી ચકાસાયા હતા. કોર્ટે હત્યાનો વીડિયો પ્રોજેક્ટર પર પણ જોયો હતો.

ફેનિલે હત્યા બાદ આપઘાતનું નાટક પણ કર્યું હતું.

પ્રેમ બલિદાન છે, કોઈનો બલિ લે એ પ્રેમ નથી: કોર્ટ
કોર્ટે સરકાર પક્ષની દલીલ પણ ટાંકતાં કહ્યું કે પ્રેમ એ બલિદાન છે, કોઇનો બલિ લેવો એ પ્રેમ નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે ગ્રીષ્મા ફેનિલને મળવા માગતી ન હતી. ફેનિલ જ મળવા માગતો હતો. એક પ્રોફેશનલ કિલર જેવી હત્યા હતી. આરોપીની માનસિકતા ક્રૂર હતી, પ્રેમ જેવું ક્યાંય દેખાતું નથી.

ગ્રીષ્માના પરિવાર દ્વારા ફેનિલને ફાંસીની માગ કરવામાં આવી છે.

આ બાબતોએ તકસીવાર ઠેરવ્યો
આરોપીને તકસીરવાર ઠેરવવા સરકાર પક્ષની દલીલો, પુરાવા કામ લાગ્યા, ખાસ કરીને હત્યાનો વાઇરલ વીડિયો. નજરે જોનારા 25 સાહેદ, કોર્ટે પણ કહ્યું કે તેમણે નરી આંખે બધું જોયું છે. ફેનિલે જેને ચપ્પુ વડે ઘાયલ કર્યા એ કાકા સહિત 2ની જુબાની. મેડિકલ પુરાવા, ફેનિલે ખરીદેલાં 2 ચપ્પુ, હત્યા અગાઉ-બાદની આરોપીનાં ચેટિંગ-કોલ. હત્યા અગાઉ ધર્મની બહેન સાથે આરોપીની વાતચીત. કોર્ટે આ યુવતી બધું જાણતી હોવા છતાં પોલીસને જાણ કેમ ન કરી એવો વાંધો પણ ઉઠાવ્યો હતો.

ફેનિલ દોષિત જાહેર થવા છતાં કોઈ પસ્તાવો ચહેરા પર ન દેખાયો.

હવે અમે ફાંસીની સજા માટે દલીલો કરીશું: સુખડવાલા
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે કોર્ટે કહ્યું કે પ્રેમ કરવો એ હત્યાનું લાઇસન્સ મળી જતું નથી. કોર્ટે ગણતરીપૂર્વકની હત્યા ગણાવી છે. હવે અમે ફાંસીની સજા માટે દલીલો કરીશું.

Exit mobile version