સમાજને કલંકિત કરતો કિસ્સો:રાજકોટમાં 11 વર્ષની સગીરાને દત્તક લઈ પાલક પિતા અને કારખાનેદારે અવારનવાર પુત્રી પર દુષ્કર્મ આચર્યું, કારખાનાની ઓરડીમાં દેહ પીંખતા

By Abhishek Raghuvanshi
5 Min Read

રાજકોટમાં સમાજને કલંકિત કરતો પાલક પિતા જ હેવાન બન્યો હોવાની ઘટના સામે આવી છે. તાલાલાના ચિત્રાવડ ગામે રહેતી માતાએ રાજકોટ એરપોર્ટમાં 11 વર્ષની પોતાની દીકરી પર પાલક પિતા અલી સમેજા અને કારખાનેદાર કૌશિક લોહાણાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દત્તક લીધેલી પુત્રી પર પાલક પિતા અને કારખાનેદારે કારખાનાની ઓરડી અને ઓફિસમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે. આ અંગે એરપોર્ટ પોલીસે પાલક પિતા અને કારખાનેદાર વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે અલી, તેની પત્ની અને કૌશિક લોહાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો
સગીરાની માતાની ફરિયાદ પરથી મૂળ મેંદરડાના મોટી ખોડિયાર ગામનો અને હાલ રાજકોટના નવાગામ બામણબોર ખાતે રહેતો અલી અલ્લારખા સમેજા, તેની પત્ની આશુ સમેજા અને નવાગામ બામણબોરમાં રહેતો કારખાનેદાર કૌશિક લોહાણા વિરુદ્ધ IPC કલમ 376 એ (બી), 354 (ક), 506 (2), 114 તથા પોક્સો એક્ટ કલમ 4, 6, 8, 10 મુજબ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કારખાનાની ઓરડી અને ઓફિસમાં દુષ્કર્મ આચરતા
માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કૌશિક લોહાણા એરપોર્ટ પોલીસ સ્ટેશનથી 3 કિમી દૂર નવાગામ બામણબોર ગામમાં આકાશ પોલિમર્સ નામથી કારખાનું ચલાવે છે. મારી દીકરીને અલી સમેજાએ દત્તક લીધી હતી. આથી અલી સમેજા કૌશિક લોહાણા સાથે મળી મારી દીકરી પર કારખાનાની ઓરડી અને ઓફિસમાં અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. કૌશિક લોહાણા પણ દીકરીનો દેહ પીંખતો હતો.

પાલક માતા આશુએ દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી (પ્રતિકાત્મક તસવીર)

અલી સમેજાની પત્ની જ મદદગાર નીકળી
આ બન્ને આરોપીને અલી સમેજાની પત્ની આશુ સમેજા મદદ કરતી હતી. આશુ મારી દીકરીને દુષ્કર્મ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી માખીશુ એવી ધમકી આપતી હતી. આથી ગભરાયેલી દીકરીએ કોઈને જાણ કરી નહોતી. બાદમાં દીકરી પર દુષ્કર્મ આચરાય રહ્યું હોવાની જાણ થતાં જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ એરપોર્ટ પોલીસે ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

દીકરીએ રડતા રડતા આખી ઘટના માતાને કહી
બામણબોર નવાગામ રહેવા ગયા બાદ મારી દીકરી અવાર-નવાર અમારી ઘરે આવતી હતી અને ફરીથી પાલક માતા-પિતા અલી અને આશુ સાથે જવાની ના પાડતી હતી. આજથી દોઢેક વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં અલી તેની પત્‍ની આશુ અને મારી દીકરી આવ્‍યા હતા. ત્‍યારે મારી દીકરી થોડા દિવસ અમારી સાથે રહી હતી. એ પછી તે અલી અને આશુના ઘરે જવા ઇચ્‍છતી નહોતી. ગત ઇદના તહેવારમાં પણ મારી દીકરીએ પાલક માતા આશુ સાથે વાત કરી હતી અને ત્‍યાં પોતે નહીં જાય તેમ કહ્યું હતું. ત્‍યારબાદ 11 જુલાઈના રોજ મારી દીકરીને તેના પાલક માતા-પિતા પાસે મોકલવાની મારા પતિએ વાત કરતાં તે રડવા માંડી હતી અને કહેવા માંડી હતી કે, ત્‍યાં મારે જવું જ નથી, આશુએ જ્‍યારે એક સંતાનને જન્‍મ આપ્‍યો ત્‍યારથી પાલક પિતા અલીએ મારી સાથે અત્‍યંત ખરાબ અડપલા ચાલુ કર્યા હતાં. એક વખત તેણે મારી સાથે બળજબરી કરી મારુ મોઢુ દાબી રાખી આખા શરીરે અડપલા કર્યા હતાં.

મોઢુ દાબી બન્ને દુષ્કર્મ આચરતા હતા (પ્રતિકાત્મક તસવીર)

પાલક માતા આશુએ મારી નાખવાની ધમકી આપી હતી
આવું વારંવાર કરવા માંડ્યા હતાં અને ઘણી વાર આવું ખરાબ ખરાબ કર્યુ છે. થોડા દિવસ પછી કારખાનાવાળા કૌશિકની ઓફિસમાં હું બપોરે ટિફિન દેવા જતાં કૌશિકે મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ થોડા દિવસ પછી ફરીથી કૌશિકે મારી સાથે અલીની જેમ જ દુષ્કર્મ આચરવા લાગ્યો હતો અને મોઢુ દબાવી દેતો હતો. મેં આ વાત પાલક મા આશુબેનને કરતાં તેણે કોઇ જવાબ આપ્‍યો નહોતો અને કોઇને વાત કરતી નહીંતર મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ કારણે મારે હવે ફરીથી અલી અને આશુ પાસે જવું નથી.

આગળની તપાસ મહિલા પોલીસ દ્વારા હાથ ધરાઇ છે
આ વાત બાળાએ રડતાં રડતાં પોતાના માતા-પિતાને કરી હતી. એ પછી પિતા બહારગામ ગયા હોઇ 21 જુલાઈએ પરત આવી ગીર પંથકના એક પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કર્યા બાદ રાજકોટ એરપોર્ટ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. PI વી.આર. રાઠોડ, અંશુમનભા ગઢવી સહિતે ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી છે. આગળની તપાસ મહિલા પોલીસ સ્‍ટેશનના PI કે. જે. મકવાણા અને ટીમે હાથ ધરી છે. આ બનાવે ચકચાર મચાવી દીધી છે.

Exit mobile version