ધોળે દિવસે હત્યા:છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈનકાર કરતાં પૂર્વ પતિએ છરાના ઘા મારી સરાજાહેર હત્યા નીપજાવી, ગાંધીનગરના કલોલનો બનાવ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • પોલીસે હત્યા પૂર્વ પતિની અટકાયત કરી
  • આરોપી અને મૃતકની હત્યા પહેલાંની એક કથિત ઓડિયો-ક્લિપ સામે આવી

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં બીજી હત્યાની ઘટના ઘટી છે. શુક્રવારે કલોલ સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરીને પૂર્વ પતિએ પેટમાં આડેધડ છરાના ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી છે. કલોલ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપી ભાવેશની અટકાયત.

પૂર્વ પત્નીએ પરત આવવાનો ઈનકાર કરતાં હત્યા નીપજાવી
કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યાં હતાં, જોકે પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેતાં હેમાએ દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો નહોતો. તે અવારનવાર હેમાને ફોન કરી પરત આવી જવા માટે કહેતો અને ધમકાવતો રહેતો. હેમાની હત્યા પહેલાંની ભાવેશ સાથેની એક કથિત ઓડિયો-ક્લિપ પણ સામે આવી છે, જેમાં ભાવેશ હેમાને પરત આવી જવાની ધમકી આપી રહ્યો છે. જો પરત નહીં આવે તો આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી રહ્યો છે. શુક્રવારે સાંજે કલોલના સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ભાવેશે પોતે પરિણીત હોવાનું છુપાવી પ્રેમલગ્ન કર્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ રેલવે પૂર્વ 33 દેવીકૃપા સોસાયટીમાં રહેતી 23 વર્ષીય હેમા પરમાનંદ નંદવાણીએ ભાવેશ કેશવાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે પ્રેમ લગ્નના થોડા વખત પછી ભાવેશની ચાલચલગત સારી ન હોવાથી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને હેમાને ખબર પડી ગઈ હતી કે ભાવેશ પહેલેથી પરિણીત હતો. તેને એક સંતાન પણ છે. તેમ છતાં તેને પ્રેમજાળમાં ફસાવીને પહેલી પત્નીને તરછોડી દીધી હતી. આ આઘાત સહન ન થતાં ભાવેશની પહેલી પત્ની ગાંડાની માફક જીવન જીવતી હતી. એ સહન ન થતાં ભાવેશ જોડે દોઢ વર્ષ અગાઉ તેણે છૂટાછેડા લઈ લીધા હતા. તેમ છતાં ભાવેશ એકતરફી પ્રેમમાં પાગલ થઈને હેમાને ‘તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં’ થવા દેવાની ધાકધમકીઓ આપતો રહેતો હતો. એટલે સુધી કે ભાવેશ પરત પાછી નહીં આવે તો આખા પરિવારને પતાવી દેવાની પણ ધમકીઓ આપતો હતો. એેને કારણે હેમા ફફડી ઊઠી હતી. વારંવાર ભાવેશ પાછી આવી જવા માટે હેમાને રસ્તામાં આંતરીને ધાકધમકીઓ આપતો રહેતો હતો.

ચાર મહિના પહેલાં પણ ભાવેશ છરો લઈને આવ્યો હતો
ચારેક મહિના અગાઉ ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ પણ ફરતો રહેતો હતો. એને કારણે હેમાનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. એને પગલે તેના પિતાએ ભાવેશના પરિચિતને તેનાં કરતૂતનો વીડિયો ઉતારીને બતાવ્યો હતો. એ વખતે પણ ભાવેશને સમજાવ્યો હતો, પરંતુ તે હેમાને કોઈપણ ભોગે પાછી મેળવવા માગતો હતો.

- Advertisement -

આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિએ કરી છે. હાલમાં મૃતકનાં પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.

Exit mobile version