કિશોરીની જાહેરમાં હત્યા:માતરના ત્રાજમાં મંદિરથી દર્શન કરી પરત ઘરે જઈ રહેલી કિશોરી પર શખસ છરી લઈને તૂટી પડ્યો, ગળું કાપ્યા બાદ પણ હાથ પર છરીના ઘા માર્યા

By Abhishek Raghuvanshi
2 Min Read
  • પોલીસે હત્યારા શખસને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
  • હત્યારા શખસને જાહેરમાં સજા થાય એવી ગ્રામજનોની માગ

ખેડા જિલ્લાના માતરમાંથી જાહેરમાં હત્યા કરાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માતરના ત્રાજ ગામમાં મંદિરથી દર્શન કરી પરત ઘરે જઈ રહેલી કિશોરી પર ગામના જ શખસે છરીના ઘા ઝીંકી ગળું કાપી નાખ્યું છે, જેમાં સારવાર મળે એ પહેલાં જ કિશોરી મોતને ભેટી છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યારા શખસને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ હત્યારાને જાહેરમાં સજા થાય એવી માગ કરી છે. આ સમગ્ર હત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ ચલાવી રહી છે.

મૃતક કૃપા પટેલ.

લોહીનાં ખાબોચિયાં ભરાયાં
બુધવારની સમી સાંજે ગામમાં મંદિરથી બહેનપણીઓ સાથે 16 વર્ષીય કૃપા દર્શન કરી પરત ઘરે આવી રહી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાને ઠંડું પીણું ખરીદવા ગઈ હતી. આ સમયે એકાએક ગામના 46 વર્ષીય રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલે કોઈ કારણસર કૃપાને કોઈ ધારદાર હથિયાર વડે ગળું કાપી નાખ્યું હતું. આટલેથી ન અટકતાં તેણે હાથ પર છરીના ઘા માર્યા હતા લોહીથી લથપથ કિશોરી ગંભીર રીતે ઘવાઈ હતી. દુકાન પાસે જ લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. ઘટના બાદ આસપાસના લોકોએ હત્યારા રાજુને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કર્યો છે. બીજી બાજુ કૃપા પટેલને સારવાર અર્થે ખેડા ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને સારવાર મળે એ પહેલાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આરોપી રાજુ પટેલ.

હત્યા પાછળનુ કારણ અકબંધ
બનાવના પગલે ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસવડાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતર પોલીસે ફરિયાદના આધારે રાજુ નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ શખસે કયા કારણસર હત્યા કરી છે એ અકબંધ છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી બાજુ હત્યારા શખસને જાહેરમાં સજા થાય એવી ગ્રામજનોએ માગ કરી છે.

Exit mobile version