- આરોપી પાડોશીએ સાયકલ ચલાવવા જેવી નજીવી બાબતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું, કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી
ગોંડલના શિવરાજગઢ ગામે સગીરે પૂછ્યા સાઇકલ ચાલવતા રોષે ભરાયેલા પાડોશીએ ગળેટુપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. જ્યાં આરોપીએ બનાવને ઈલેક્ટ્રીક શોર્ટ દ્વારા અકસ્માતમાં ખપાવી દેવા બાળકના શરીરે ગરમ તેલના ડામ આપી અકસ્માતમાં ખપાવી દેવાની વાર્તા કરી હતી પરંતુ ફોરેન્સિક પીએમમાં સત્ય સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પાડોશીની ધરપકડ કરી હતી
પાડોશી મુકેશ પર શંકા વ્યક્ત કરવામાં આવી
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના શિવરાજગઢ ગામે પ્રફુલભાઈ મદડીયાની વાડીએ ખેત મજૂરી કામ કરતા રેખાબેન ઉર્ફે રેવકાબાઈ સંજયાભાઈ ડોડવેના 13 વર્ષીય પુત્ર આકાશની ગળેટુપો દઈ નિર્મમ હત્યા થઈ હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમાં દાખલ થઈ હતી. જેમાં મૃતકની માતાએ જણાવ્યું હતું કે,ગતરોજ બપોરના એક વાગ્યાની આસપાસ આકાશ પાડોશમાં રહેતા મુકેશભાઈની સાઇકલ ચલાવતો હતો અને થોડીવાર બાદ ત્યાં જોવા ન મળતા તેની તપાસ શરૂ કરતાં મગફળીના ઢગલા ઉપર હાથ-પગેથી દાઝી ગયેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેઓ દ્વારા પાડોશી મુકેશ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
શ્વાસ રૂંધાવાથી મોત નિપજયાનું ખુલ્યું
બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકના પરિવારજનો દ્વારા પ્રથમ ઈલેક્ટ્રીક શોક લાગવાથી મોત નિપજયાનું જણાવાયું હતું પરંતુ સરકારી હોસ્પિટલના તબીબો અને બનાવ સ્થળ પર પોલીસને શંકા જતા બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાથી મોત નિપજયાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શરીરે દાઝ્યાના ડાઘ પાડી દીધા
જેને પગલે શંકાના આધારે પોલીસે પાડોશી મૂળ MPના વતની મુકેશ જમેરા (ઉ. 28) ની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા મુકેશે ગુનો કબૂલી લીધો હતો. મૂકેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આકાશ તેની સાઇકલ પૂછ્યા વગર અવાર-નવાર ફેરવ્યા કરતો હતો અને તેમાં પંચર પાડી દેતો હતો તે ઉપરાંત તેના સંતાનો સાથે ઝઘડો પણ કરતો હતો જેનો ખાર રાખી તેને ગળા ટુપો દઈ હત્યા નિપજાવી દીધી હતી બાદમાં આ હત્યાની ઘટનાને અકસ્માતમાં નિપજાવી દેવા ગરમ તેલ કરી રુ દ્વારા આકાશના શરીરે દાઝ્યાના ડાઘ પાડી દીધા હતા અને ઈલેક્ટ્રીક શોટસર્કિટથી તેનું મોત નિપજ્યા ની કહાની ઘડી કાઢી હતી આરોપીની કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
