વિદેશમાં બેસીને ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહેલા 100 ડ્રગ્સ માફિયાઓના નામ મેળવવા માટે FBIએ કમરકસી છે. FBIને બોપલ ડ્રગ્સ કાંડ 100 ડ્રગ્સ માફિયાઓ સુધી લઈ જશે. આમ આ કેસ હવે ઇન્ટરનેશનલ બની રહ્યો છે. બોપલ ડ્રગ્સકાંડની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સ અમેરિકાથી મોકલવામાં આવી રહ્યું છે અને જે તપાસ બાદ ગ્રામ્ય પોલીસે તમામ રિપોર્ટ NCB દિલ્હીને વચ્ચે રાખીને FBI(ફેડરલ બ્યૂરો ઇન્વેસ્ટિગેશન)ને મોકલી આપ્યા છે. 100 જેટલા ડ્રગ્સ માફિયા વિદેશમાં રહીને આ ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા હતા અને જેની વિગતવાર માહિતી મોકલી દેવામાં આવી હતી. હવે FBI આ તમામ લોકોની તપાસ કરી રહી છે અને ત્યાર બાદ અનેક ખુલાસા થશે.
પોલીસે આરોપીઓના તમામ ઇ-મેલ અને અન્ય મોબાઇલ, લેપટોપ સહિત વસ્તુઓ કબ્જે કરી તપાસ કરી હતી. ત્યાર બાદ 100 જેટલા ડ્રગ્સ માફિયાના નામ સામે આવ્યા હતા. હવે FBI એ લોકોની તપાસ કરશે કે તે તમામ લોકોના નામ અને સરનામું સાચું છે કે કેમ?
એર કાર્ગો દ્વારા યુએસ સહિતના દેશોમાંથી ડ્રગ્સ મગાવતા
ગત નવેમ્બર 2021માં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ડાર્ક વેબ મારફત એર કાર્ગો દ્વારા યુએસ સહિતના દેશોમાંથી ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ મગાવવાના વંદિત પટેલના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વંદિત પટેલ સહિત કુલ 8 આરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 200 જેટલા અલગ અલગ ડ્રગ્સના પેકેટ કબ્જે કરવામાં આવ્યા હતા. જેમાં એમ.ડી, કોકેઇન, ચરસ અને ગાંજા સહિત અન્ય ડ્રગ્સ હતા. બોપલ પોલીસે ડાર્ક વેબ મારફત એર કાર્ગો દ્વારા યુએસ સહિતના દેશોમાંથી ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ મગાવવાના વંદિત પટેલના રેકેટનો પર્દાફાશ કરી આ પ્રકરણમાં અનેક ખૂટતી કડીઓ શોધવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા હતા.
વંદિતે ડ્રગ્સનું 25 હજાર ડોલરનું પેમેન્ટ ક્રિપ્ટોથી કર્યું
પોલીસ પૂછપરછ દરમિયાન વંદિત પટેલે એવું પણ કબૂલ્યું હતું કે, તેણે છેલ્લે મગાવેલા કન્સાઇન્મેન્ટનું 25 હજાર યુએસ ડોલર(રૂ.17-18 લાખ)નું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું હતું. આ પેમેન્ટ કેવી રીતે કોને ચૂકવ્યું તે સહિતના પુરાવા પોલીસે એકત્ર કર્યા છે.
વંદિત પટેલનું ડ્રગ્સ નેટવર્ક 2012થી ચાલતું હતું
આ ડ્રગ્સ પ્રકરણમાં અનેક ખૂટતી કડીઓ શોધવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા હતા. કેસનો ખુલાસો થયો તે સમયે તપાસ કરતી અમદાવાદ રૂરલ પોલીસની ટીમના વડા એસપી વીરેન્દ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આ ડ્રગ્સ રેકેટ છેક 2012થી ચાલી રહ્યું હોવાની શક્યતા છે.
સિંગાપોરમાં વંદિતે ડ્રગ્સ માટે ડાર્ક વેબના ટ્રાન્ઝેક્શન કર્યા
વંદિતે સાઉથ બોપલ વિસ્તારમાં REXON સલૂન શરૂ કર્યું ત્યારથી તે સોફ્ટ ટાર્ગેટ શોધતો હતો. એમાંથી તેણે ડ્રગ્સ સપ્લાયનું કામ શરૂ કર્યું હતું, જેમાં તેને અઢળક કમાણી દેખાઈ હતી. અગાઉ વંદિત ભણવા માટે સિંગાપોર ગયો એ પહેલાં તે ગાંજો-ચરસ જેવો નશો કરતો હતો. સિંગાપોરમાં તેને પ્યોર ક્વોલિટીનું ભારત કરતાં પણ ખૂબ સારું ડ્રગ્સ મળવા લાગ્યું. આ ડ્રગ્સના પેમેન્ટના સિક્યોર મોડ તરીકે ત્યાં તે ડાર્ક વેબ શીખ્યો હતો.
સાઉથ બોપલનું REXON સલૂન વંદિતનું ટાર્ગેટ હન્ટિંગ પ્લેસ
ભારત આવ્યા બાદ વંદિત તેની માતાના સલૂનની જેમ એક એવું પ્લેટફોર્મ બનાવવા માગતો હતો. અહીંથી તે પોતાના કોન્ટેક્ટ મારફત ડ્રગ્સ લેનારને શોધી શકે એ માટે તે ડ્રગ્સની વાતો કરતો. સામે વાળાને રસ પડે તો તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ વિશે વાત કરતો અને જે સોફ્ટ ટાર્ગેટ દેખાય તેને ફસાવતો હતો. પહેલા ટેસ્ટિંગ માટે સામેવાળાને ડ્રગ્સ આપતો અને પછી તેની સાથે ડીલ કરતો. વંદિત સાથે અમદાવાદ સહિત વલસાડના ડ્રગ-ડીલર પણ જોડાયેલા હતા, જે ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ લોકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
સ્નેપચેટથી વાતો થતી ને એર કાર્ગો વડે યુએસથી ડ્રગ મગાવાતું
વંદિતને ખબર હતી કે ડ્રગ્સ કેલિફોર્નિયાથી મગાવવું હોય તો તેને એર કાર્ગો સરળ પડશે. આ માટે ત્યાંના સપ્લાયર સાથે તે સ્નેપચેટથી વાત કરતો હતો. અમુક સમય બાદ એમાંથી ચેટ ગાયબ થઈ જાય છે અને પોતાનું કામ પણ સરળતાથી થઈ શકે છે. વંદિત દક્ષિણ ભારત અને મુંબઈથી પણ ડ્રગ્સ મગાવતો હતો અને આ માટે પણ તેણે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કર્યો છે. વંદિતે અત્યારસુધીમાં 2.85 લાખ ડોલરનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જેના પુરાવા પોલીસને મળ્યા છે.
સ્માર્ટ વંદિત રિક્ષાવાળા જોડે પાર્સલ છોડાવતો ને 3 હજાર આપતો
જ્યારે ડ્રગ્સકાંડનો ખુલાસો થયો ત્યારે વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમે FBIને આ ડ્રગ્સ કેસમાં મદદ માટે કહ્યું હતું, કારણ કે ડ્રગ્સ ડીલના ટ્રાન્ઝેક્શનનો છેડો છેક અમેરિકા સુધી ગયો છે. આ કેસમાં વંદિત સ્માર્ટલી ઓપરેટ કરતો અને એર કાર્ગોમાંથી પોતાના પાર્સલ રિક્ષાવાળાઓ પાસે છોડાવતો. આ માટે તે દર વખતે રિક્ષાવાળાને રૂ.. 3000 આપતો હતો. તેના સલૂનમાં આવતા લોકોના એડ્રેસ પર પણ વંદિતે ડ્રગ મગાવ્યું હતું, જેમાં કોન્ટેક્ટ નંબર વંદિત કે તેના મળતિયાનો રહેતો હતો. જેથી તે પેકેટ સરનામા પર પહોંચે એ પહેલાં તેને છોડાવી લેતો હતો.
