વડોદરાના નવલખી મેદાન ખાતે વડાપ્રધાન મોદી શહેર-જિલ્લાની 10 બેઠકોના ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરશે. તેઓ હેલિકોપ્ટર મારફતે નવલખી મેદાનમાં બનાવેલા હેલિપેડ પર ઉતરી સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પીએમના રોડ શોની જાહેરાત કરાઈ નથી, પરંતુ PMના રૂટ પર જ્યાં જનમેદની હશે ત્યાં પીએમ લોકોનું અભિવાદન ઝીલશે, તેમ જણાવાયું છે, એટલે આ અઘોષિત રોડ શો થઇ જશે.
સાંજે વડાપ્રધાન સભા સંબોધશે
વડાપ્રધાને 18 જૂને લેપ્રસી મેદાનમાં સભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ 30 ઓક્ટોબરે લેપ્રસી મેદાનમાં ડિફેન્સ એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઈનના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે ચૂંટણીને અનુલક્ષીને નવલખી મેદાન ખાતે જાહેરસભા કરશે. બુધવારે સાંજે 4.30 કલાકે તેઓ સભા સ્થળે પહોંચનાર છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે નવલખીમાં સ્ટેજ બનાવવા અને લોકોને બેસવાની વ્યવસ્થાની કામગીરી કરાઈ હતી.
એસપીજી કમાન્ડોએ ચેકિંગ કર્યું
બીજી તરફ એસપીજી કમાન્ડો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટેજ અને તેની આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન પરત બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે. જેના પગલે નવલખી મેદાનથી એરપોર્ટ સુધીના રૂટ પર પાલિકા દ્વારા સાફ-સફાઈ, વૃક્ષોનું ટ્રીમીંગ, રંગ રોકાણ સહિતની કામગીરી કરવામાં આવી છે. જોકે નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટ તરફના રૂટ પર અલગ અલગ જંકશન ઉપર નાગરિકો એકત્ર થાય તે માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ રૂટ પર સાંજે 4 વાગ્યાથી પ્રવેશબંધી
- અકોટા બ્રિજ ચાર રસ્તાથી નર્સિંગ હોમ તરફ
- રેલવે સ્ટેશનથી કાલાઘોડા તરફ..
- રોઝરી સ્કૂલથી સેફરોન તરફ…
- કાશીબાથી નરહરી સર્કલ તરફ…
- અમીતનગરતી માણેક પાર્ક તરફ…
- મકરપુરાથી લાલબાગ તરફ…
- મુજમહુડાથી લાલબાગ તરફ…
- મુક્તાનંદથી વુડા સર્કલ તરફ…
બીજા દિવસે હેલિકોપ્ટરને ઉતારવા માટેનું નવલખીમાં રિહર્સલ કરાયું
નવલખી મેદાન ખાતે વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈ ડોમની વ્યવસ્થાની સાથે જે સભા સ્થળે બનાવવામાં આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટરના ઉતરાણ સહિતની બાબતને લઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેની સાથે હેલિપેડથી સભા ડોમ સુધી પણ પીએમના કાફલાનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ.
પાલિકાએ પ્રધાનમંત્રીના રૂટને ચમકાવી દીધો
મહાનગરપાલીકા વડાપ્રધાનના રૂટની જાણકારી મળતા જ તે રસ્તા પર રંગ રોગાણ, ડિવાઈડરને સાફ કરવા, સાફ સફાઈ, વૃક્ષોના ટ્રીમિંગ, રસ્તા પર રફલેક્ટર લગાવવા, સફેદ પટ્ટા પાડવા, પેચવર્ક કરવા સહિતની કામગીરી કરી હતી.
2017માં મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ થઇ નવલખી ગયા હતા
2017ની વિધાનસભા ચૂંટણી વખતે 10 ડિસેમ્બરના રોજ નવલખી ખાતે મોદીની જાહેર સભા યોજાઇ હતી. તે સમયે પ્રધાનમંત્રી એરપોર્ટથી સર્કિટ હાઉસ ગયા હતા ત્યાંથી નવલખી મેદાન ખાતે સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. સતત જાહેર સભાઓના પગલે તે સમયે તેમનું ગળું બેસી ગયું હતું અને વહેલા આવી ગયા છતાં દોઢ કલાક સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવલખી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. નવલખી ખાતે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.
