
સુરત શહેરમાં દિવાળીની અદભુત રોનક જોવા મળી હતી. સુરત શહેરમાં દિવાળીની ધુમ ખરીદી થઈ રહી હતી અને બજારોમાં પણ ઉત્સાહનો માહોલ હતો. સુરત શહેરના રીંગરોડ ગૌરવ પથ જેવા વિસ્તારોમાં લાઇટિંગના નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે. સુરતને જાણે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.
સુરતને દુલ્હનની જેમ સજાવાયું
સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર દરેક પર્વની ખૂબ જ ધૂમધામ પૂર્વકની ઉજવણી થતી હોય છે. કોરોનાકાળ બાદ સુરત શહેરમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. આખી રાત આતશબાજી આકાશમાં જોવા મળી હતી. શહેરનો આકાશ પણ જાણે રંગબેરંગી રોશનીથી સજાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના મોટાભાગના ફ્લાયર્સ અને તાપી ઉપરના બ્રિજને શણગારવામાં આવ્યા છે.
ઉત્સવ પ્રિય સુરતીઓનો મિજાજ
સુરતીઓ દરેક ક્ષણને માણી લેવામાં માને છે અને તેના કારણે જ તેમને ઉત્સવ પ્રેમી પ્રજા કહેવાય છે. સુરતીઓ દરેક તહેવારને ખાસ બનાવી દેતા હોય છે. તેમાં પણ વાત જ્યારે દિવાળીની હોય ત્યારે આખું શહેર જાણે રોશનીથી ઝગમગી ઊઠે છે. મોટા મોટા શોપિંગ કોમ્પલેક્ષો, મોટી ઇમારતો ઉપર થયેલી લાઇટિંગને કારણે આખું શહેર અનેરો લાગી રહ્યું છે.
ભાત ભાતની લાઇટિંગોથી સુરત જળહળી ઉઠ્યું
સુરત શહેરના રોશનીના આકાશી દ્રશ્યો સૌ કોઈને મોહી લે તેવા છે. દ્રશ્ય જોતા જ લાગે કે આ છે સુરતની સોનાની મુરત. આખું શહેર દિવાળીના ઉત્સાહથી છલોછલ જોવા મળી રહ્યો છે. આખા શહેરમાં થયેલી રોશનીને જોવા માટે મોડી રાત સુધી સુરતીઓ ફરતા દેખાયા હતા. ઠેરઠેર રસ્તા ઉપર રંગોળી અને ભાત ભાતની લાઇટિંગોથી સુરત જળહળી રહ્યું છે.
