સુરતમાં આગની દુર્ઘટના:સીંગણપોરમાં કચરાના ઢગલામાં લાગેલી આગે ભીષણરૂપ લેતા આખે આખો પતરાનો શેડ બળીને ખાક થયો

By Abhishek Raghuvanshi
1 Min Read

સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સીંગણપોર વિસ્તારમાં આવેલા વિજયરાજ સર્કલ નજીક આગ લગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગનું ભીષણ સ્વરૂપ જોઈને આસપાસના લોકો પણ ડરી ગયા હતા. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે.

કચરાના ઢગમાં લાગેલી આગ પ્રસરી
વિજયરાજ સર્કલ પાસે કચરાના ઢગલામાં આગ લાગતા પતરાના શેડમાં આગ પ્રસરી હતી. સમગ્ર પતરાનો શેડ આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આખો પતરાનો શેડ આગની લપેટમાં આવતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ફાયરને કોલ મળતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ ખૂબ જ ભીષણ હોય તેવા દ્રશ્યો દેખાયા હતા.

પતરાનો શેડ બળીને ખાક થયો.

ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે
​​​​​​​
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આજ ખૂબ જ સામાન્ય હતી પરંતુ એકાએક આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આસપાસના લોકો પણ ડરી ગયા હતા. માત્ર પતરાનો શેડ હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

Exit mobile version