સત્તાના સંગ્રામમાં પ્રચારનો ઝંઝાવાત:અલ્પેશ કથીરિયા વરાછા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ‘આપ’ના ઉમેદવાર

By Abhishek Raghuvanshi
9 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને આ વખતે પ્રચારનો ખૂબ જ ઓછો સમય મળ્યો છે. હવે આગામી સમયમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ થશે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે ગુજરાતમાં ધૂંવાધાર પ્રચાર શરૂ કર્યો છે. આજે તેઓ રાજકોટ ગ્રામ, કાલાવાડ અને જેતપુરમાં રોડ શો કરશે. બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ લીમખેડા, દેવગઢબારિયા અને છોટાઉદેપુરના જેતપુરમાં રોડ શો કરશે. આ સિવાય કોંગ્રેસના નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આજે આણંદ અને વડોદરામાં લોકોની સાથે ચર્ચાઓ કરશે. આજે આમ આદમી પાર્ટી ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે. જેમાં અલ્પેશ કથીરિયા વરાછા અને ધાર્મિક માલવિયા ઓલપાડથી ‘આપ’ના ઉમેદવાર બન્યાં છે

બીજી તરફ, આજે કોંગ્રેસની પરિવર્તનયાત્રા અમદાવાદ આવશે. કેન્દ્રીય નેતા અજય માકન પણ આવે એવી શક્યતા છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ આવશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આજે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસની પરિવર્તનયાત્રા આજે રાજકોટ પહોંચશે. શક્તિસિંહ ગોહિલ આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.

વસોયાએ કહ્યું- AAPને નહીં, ભાજપને મત આપજો
રાજકોટના ધોરાજી શહેરના વિવિધ માર્ગો ઉપર કોંગ્રેસની પરિવર્તનયાત્રા નીકળી હતી. આ યાત્રામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલિત વસોયા, શહેર કોંગ્રેસપ્રમુખ અરવિંદભાઈ વોરા, પૂર્વ નગરપતિ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જોકે આ દરમિયાન જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપતરફી ઝુકાવ જોવા મળ્યો હતો. લલિત વસોયાએ મંચ પરથી જણાવ્યું હતું કે જો તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહું છું કે તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભાજપને મત આપજો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને લલિત વસોયા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું કે “ભાજપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતા હોવાનો આ છે પુરાવો, કોંગ્રેસ-ભાજપ સાથે મળીને આમ આદમી પાર્ટી વિરોધમાં જોવા મળી રહી છે.

કેજરીવાલનો રાજકોટ જિલ્લામાં રોડ શો યોજાશે.

ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા સહિત 18નાં રાજીનામાં
ચૂંટણી જ પૂર્વે ભુજ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. પૂર્વ વિપક્ષી નેતા રાજીનામા બાદ રાજેન્દ્રસિંહના સમર્થનમાં ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા સહિતના 18 હોદ્દેદાર દ્વારા રાજીનામાં આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભુજ નગરપાલિકાના 6 કાઉન્સિલરોએ પણ રાજીનામાં આપી દીધાં છે. એ ઉપરાંત આપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરાયો છે. લઘુમતી સમાજના કાર્યકરોએ પત્ર લખીને જણાવ્યું કે જે ઉમેદવાર જાહેર કરાયો છે એ લાયકાત ધરાવતો નથી. દિલ્હીના નેતાઓને સાચવી લેવાથી ટિકિટ મળી જાય છે એવો પણ આરોપ લગાવાવની સાથે લઘુમતી સમાજના વ્યક્તિને ટિકિટ આપવા માગ કરી હતી. ન્યાય નહીં મળે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -

નાના-મોટા 18 સમાજોએ ચૂંટણીમાં ટિકિટો માગી
આ વખતની ચૂંટણીમાં નાના મોટા 18 સમાજોએ પોતાના મતોની બીક બતાવીને રાજકીય પાર્ટીઓ પાસેથી ટિકિટો માંગી છે. આ સમાજના મોભીઓએ છેલ્લાં છ મહિનાથી સંમેલનો યોજવાના ચાલું કરી દીધાં છે અને તેમાં પાટીદાર, કોળી, ઠાકોર જેવા મોટા સમાજોથી માંડીને વાણીયા, બ્રાહ્મણ, લોહાણા, વણઝારા જેવા વસતીની રીતે નાની સંખ્યાના સમાજોએ પણ પાર્ટીઓ પાસે પોતાની જ્ઞાતિના લોકોને ટિકિટ મળે તેવી અપેક્ષા સેવી છે. આ તમામ સમાજના લોકોએ પોતાના સંમેલનોમાં તેમની જ્ઞાતિની રાજકીય પાર્ટીઓ ઉપેક્ષા કરે છે, તેમને ન્યાય મળતો નથી, તેમના પ્રશ્નો ઉકેલાતા નથી અને તેની સામે અન્ય જ્ઞાતિઓનું રાજકીય વર્ચસ્વ વધુ હોવાથી તેમને કોઇ પ્રશ્ન નડતા જ નથી તેવી ચર્ચાઓ કરીને પક્ષો પાસે ટિકિટો માગી છે. જેને કારણે પક્ષો પર દબાવ પણ વધી રહ્યો છે.

કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત આણંદમાં રેલી કરશે( ફાઈલ ફોટો)

ધ્રાંગધ્રામાં એક ઉમેદવાર માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ
ધ્રાંગધ્રા બેઠક પર એક જ ઉમેદવાર માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્ર જયેશ પટેલને ટિકિટ આપવા બન્ને પાર્ટી તૈયાર છે હવે જયેશ પટેલ કંઈ તરફ જાય છે તેના પર આધાર છે. સૂત્રો મુજબ, જયેશ પટેલને ભાજપમાં લાવવા માટે ભરત બોઘરા પ્રયત્નશીલ છે જ્યારે સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવા માંગે છે. જો પટેલ ભાજપમાં ન જોડાય તો દલવાડી સમાજના ઉમેદવારને ટિકિટ મળી શકે છે. ધ્રાંગધ્રાને કારણે વઢવાણ બેઠકનો મામલો પણ અટવાયો છે. એક જ જિલ્લો હોવાથી ધ્રાંગધ્રામાં પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાય તો વઢવાણમાં બ્રાહ્મણ કે જૈન ઉમેદવાર પર પસંદગી ઉતારાશે. વઢવાણમાં વર્તમાન ધારાસભ્ય ધનજી પટેલને ટિકિટ મળવાની સંભાવના નથી. પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાની પણ શક્યતા ઓછી છે.

લલિત વસોયાના ભાજપ પ્રેમ પર કેજરીવાલના ચાબખા
કોંગ્રેના ધારાસભ્ય લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા અપીલ કરી હતી. લલિત વસોયાના ભાજપ તરફી પ્રેમને લઈને તેઓ અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે, ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં લલીત વસોયાએ કહ્યું કે, “AAPને મત આપવા કરતા ભાજપને મત આપજો. અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કરીને લલિત વસોયા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું કે, “ભાજપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતા હોવાનો આ છે પુરાવો, કોંગ્રેસ-ભાજપ સાથે મળીને આમ આદમી પાર્ટી વિરોધમાં જોવા મળી રહી છે. તો આ તરફ લલિત વસોયાએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે, AAP એ ભાજપની B ટીમ છે. અને મારા મત વિસ્તારના લોકોને છેતરી રહ્યા છે. માટે કટાક્ષમાં એવું કહ્યુ કે, AAP કરતા ભાજપને મત આપજો.

કોંગ્રેસની પરિવર્તન યાત્રા અમદાવાદ આવશે

કોંગ્રેસના તુષાર ચૌધરીને મજૂરા બેઠક પરથી ચૂંટણી લડવી છે
સુરતમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ. તુષાર ચૌધરીએ ટિકિટને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મે ટિકિટની માગ કરી નથી પરંતું જો મને કોંગ્રેસ ટિકિટ આપશે તો હું મજૂરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. સાથે સાથે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે પણ તુષાર ચૌધરીએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત તદ્દન ખોટી છે.આ વખતે મે કોઈપણ જગ્યાએથી ટિકિટની દાવેદારી નોંધાવી નથી. તેમણે કહ્યુ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છુ, પાર્ટી આદેશ કરશે તો મજૂરા વિધાનસભા પરથી લડશે.

ઝાલોદમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓનું રાજીનામું
દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 200થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા મિતેષ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો નિરીક્ષકો સામે આક્ષેપ કર્યો છે. તેમજ ગઇકાલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ચીમકી આપી હતી.છેલ્લા 2 ટર્મથી ઝાલોદ વિધાનસભા કોંગ્રેસના કબ્જામાં છે.

યાદી જાહેર થઈ નથી ત્યાં પ્રતાપ દૂધાતે ઉમેદવારી માટે દાવેદારી કરી

પ્રતાપ દૂધાતે 11 તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી
અમરેલીમાં લાઠી બાબરા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. બાબરા શહેરમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગજો કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત પ્રવચન દરમ્યાન નિવેદન આપ્યું હું મારુ આમંત્રણ આપવા આવ્યો છે પ્રદેશ પ્રમુખ અહીં બેઠા છે પ્રદેશ પ્રમુખે હજુ લિસ્ટમાં નામ નથી આપ્યું પરંતુ કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું 11 તારીખે ફોર્મ ભરવા જવાનો છું. ત્યારે તમારા લાગતા વળગતાને મોકલજો અને સંદેશો આપજો સાવરકુંડલા કોંગ્રેસને મજબૂત બનાવજો.

ગોંડલમાં ચૂંટણી પૂર્વે ઓનલાઇન વોટિંગ શરુ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને 8 ડિસેમ્બરે ગુજરાતના નવા નાથનો નિર્ણય પર આવી જશે. ત્યારે સૌરાષ્ટ્રમાં દાયકાઓથી સંવેદનશીલ બેઠક રહેલ ગોંડલ પર ભાજપના બે બળિયા જૂથ ગોંડલ અને રીબડા આગામી ધારાસભા-2022ની ચૂંટણીમાં ભાજપની ટિકીટ માટે ખુલ્લામાં સામસામે આવ્યા છે. ત્યારે હાલ ચૂંટણી પૂર્વે ગોંડલની હાઇપ્રોફાઇલ બેઠક પર ઓનલાઇન વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રીબડાનાં રાજદિપસિંહ જાડેજા 61.44% સાથે આગળ છે. હાલ ગોંડલ ભાજપના અલગ અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં વોટિંગની લિંક શેર કરી વોટિંગ કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version